અમેરિકાના વોશિંગ્ટન ડીસીથી રોહિતજીએ યુદ્ધ અને ડોનાલ્ડ ટ્રમ્પ પરના દબાણ છે:અમેરિકામાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પર આ યુદ્ધ ખતમ કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણની સાથે ઘરેલું રાજકારણનું દબાણ પણ વધી રહ્યું છે. તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે આ યુદ્ધના નિર્ણયને એક સામૂહિક નિર્ણય ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જેરેડ કુશનર, સ્ટીવ વિટકોફ, માર્કો રુબિયો અને પીટ હેગસેથ જેવા નેતાઓની સલાહ બાદ જ તેઓ યુદ્ધમાં ઉતર્યા છે. જોકે, રિપબ્લિકન પાર્ટીમાં આ યુદ્ધના હેતુઓને લઈને મતભેદો દેખાઈ રહ્યા છે.
પીટ હેગસેથે તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને ‘દેશભક્ત’ બનવા અને સકારાત્મક રિપોર્ટિંગ કરવા વિનંતી કરી હતી, જે દર્શાવે છે કે સરકાર ક્યાંક ને ક્યાંક દબાણમાં છે. એકતરફ દાવો કરાયો છે કે ઈરાનની ૯૦% ડિફેન્સ સિસ્ટમ અને નેવી ખતમ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ સ્વીકારવામાં આવ્યું છે
કે ઈરાની એરફોર્સ હજુ પણ સક્રિય છે. ટ્રમ્પના કટ્ટર સમર્થકો એટલે કે ‘માગા’ (MAGA) બેઝમાં પણ આ યુદ્ધને લઈને વિભાજન જોવા મળી રહ્યું છે. જે લોકો ટ્રમ્પના અંધભક્ત હતા તેઓ હવે સવાલ કરી રહ્યા છે કે શું ઈઝરાયેલે અમેરિકાને આ યુદ્ધમાં ફસાવ્યું છે? અને શું આ ઓપરેશનની અત્યારે જરૂર હતી?રક્ષણ નિષ્ણાતો માને છે કે જો આ યુદ્ધ લાંબુ ખેંચાશે તો ટ્રમ્પ પર દબાણ વધશે.
ટ્રમ્પ ઈચ્છે છે કે ૪ જુલાઈ (અમેરિકાનો સ્વતંત્રતા દિવસ) પહેલા કોઈપણ સંજોગોમાં આ ઓપરેશન પૂરું થઈ જાય. પરંતુ નવેમ્બરમાં આવનારી મિડ-ટર્મ ચૂંટણીઓ ટ્રમ્પ માટે મોટો પડકાર છે. ઐતિહાસિક રીતે જોતા, સત્તાધારી પક્ષ મિડ-ટર્મ ચૂંટણીમાં પોતાની બહુમતી ગુમાવે છે. જો રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી ગુમાવશે, તો ટ્રમ્પ નબળા રાષ્ટ્રપતિ સાબિત થશે.અમેરિકામાં અત્યારે અર્થતંત્રની સ્થિતિ સારી નથી. મોંઘવારી વધી રહી છે,
નોકરીઓ જઈ રહી છે અને ગેસના ભાવ પણ ફરી વધી રહ્યા છે. જે મુદ્દાઓ પર ટ્રમ્પે ૨૦૨૪ની ચૂંટણીમાં બાઈડનને ઘેર્યા હતા, તે જ સમસ્યાઓ હવે તેમના શાસનમાં દેખાઈ રહી છે. ઈરાનનું યુદ્ધ અત્યારે ટ્રમ્પની તરફેણમાં હોય તેવું લાગતું નથી. મિડ-ટર્મ ચૂંટણીઓ મુખ્યત્વે ઘરેલું મુદ્દાઓ પર લડાશે અને અત્યારે ટ્રમ્પ તે રેસમાં પાછળ ચાલી રહ્યા હોય તેવું જણાય છે