સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે માર્યા પછી માણસ ને કોઈ બંધન નડતા નથી. મર્યા પછી તેને દરેક રીતરિવાજોમાથી શાંતિ મળતી હોય છે. પરંતુ દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જે વ્યક્તિના મરણ બાદ પણ તેના પર રીતરિવાજનું બંધન લગાવવાનું ભૂલતા નથી.હાલમાં પંચમહાલમાં આવો જ એક રીતરિવાજ નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાતિવાદને લઈ એક મૃતક મહિલાની અંતિમવિધિ અટકાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર કંકોડાકોઇ ગામમાં જાતિવાદને મહત્વ આપતા ગામના લોકો દ્વારા ગામના રહેવાસી સુમિત્રાબેનની અંતિમ સંસ્કારની વિધિ અટકાવવામાં આવી હતી. વિગતે વાત કરીએ તો,કંકોડાકોઇ ગામમાં રહેતા સુમિત્રાબેન રામજીભાઈ નાયક મજૂરી કામ કરતા હતા. આ મહિલા પ્રેગનેન્ટ હોવાને કારણે તેમને અચાનક જ પ્રસૂતિ પીડા ઉપડી હતી. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મહિલાએ હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો.
આ દરમિયાન મહિલા બિલકુલ સ્વસ્થ હતા. પરંતુ ૧૨ દિવસ બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા અચાનક મોત નિપજ્યું હતું મહિલાનું મૃત્યુ થતા પરિવાર મૃતદેહને અંતિમ સંસ્કારની વિધિ માટે ગામમાં આવેલ સ્મશાનમાં લઈ જઈ રહ્યો હતો સામાન્ય રીતે આ સંજોગોમાં ગામના લોકો અંતિમયાત્રામાં જોડતા હોય છે પરંતુ કંકોડાકોઇ ગામના લોકોએ મહિલા અલગ જાતિની હોવાનું કહી તેના પરિવારને સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરતા અટકાવ્યા હતા.
એટલું જ નહિ પરિવારે પંચાયતની બાજુમાં આવેલી જગ્યા પર અંતિમ સંસ્કારની વિધિ માટે તૈયારી કરી તો તેમાં પણ જાતિવાદનો ભેદ રાખનાર ગામના લોકોએ ખલેલ પહોંચાડી હતી. જેને કારણે પરિવારે ૨ દિવસ સુધી મૃતદેહને ઘરમાં રાખ્યો હતો અને અંતે કોઈપણ જગ્યા પર અંતિમ સંસ્કારની મંજૂરી ન મળવાને કારણે પોતાની માલિકીના ખેતરમાં જ મહિલાનો અંતિમ સંસ્કાર કર્યો હતો.
જોકે કંકોડાકોઇ ગામના સરપંચ દ્વારા આવો કોઈપણ બનાવ ન બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરપંચ નું કહેવું છે કે ગામના લોકોએ મહિલાના પરિવારને નવા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા કહ્યું હતું બીજી તરફ વાત કરીએ વિસ્તારના ધારાસભ્ય અંગે તો તેમણે પણ આ અંગે કોઈ જાણકારી ન હોવાનું કહ્યું છે. સાથે જ જો આવું કોઈ બનાવ બન્યો હોય તો તે અંગે તપાસ કરવાની પણ બાહેધારી આપી છે.