અમદાવાદ: આજે ગુજરાતીઓ વાસી ઉત્તરાયણની ઉજવણી કરશે. આજે પણ લોકો પતંગ ચગાવશે ત્યારે આજે આપણે જોઇએ કે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું એંધાણ છે. ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધવાની સાથે ગુજરાતમાં પણ આજે ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના 14 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. ત્યારે આજે પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે પોતાની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, આગામી 20મી તારીખ સુધી વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. રાજ્યના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. આ સાથે આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
આજે રાજ્યના હવામાનની વાત કરીએ તો 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. જેમા સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ડીસા, અમદાવાદ અને નલિયામાં તાપમાનો પારો ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું છે. કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રી અને ભાવનગર અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો 15 જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે. જેમાં કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત સુધી ઠંડી અનુભવાશે. સુરતના આસપાસ ભાગોનું તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહે. મહેસાણા જિલ્લામાં 14થી 16 જાન્યુઆરીમાં લઘુતમ તાપમાન 12થી 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો આવશે. ધીમે-ધીમે ઠંડી વધશે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, 16, 17 જાન્યુઆરી સુધી કોઇ માવઠાની શક્યતા નથી. તે પછી કદાચ અમુક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે. કેમ કે, જાન્યુઆરીમાં હજુ પણ એક માવઠું તો થશે. જોકે, એ માવઠું પણ એકદમ છૂટાછવાયું હશે. મોટાભાગે ઘાટા વાદળ જ થવાના છે. જો એ માવઠું થશે તો પણ 17થી લઇને 25 જાન્યુઆરી વચ્ચે કોઇ એક કે બે દિવસ એવા હશે કે જેમાં હવામાનમાં પલટો આવશે. અત્યારે કોઇ ખતરો નથી.