સુપરસ્ટાર સલમાન ખાન હવે 60 વર્ષના થઈ ચૂક્યા છે. છતાં પણ સલમાન આજે પણ ફિલ્મોમાં લીડ હીરોના રોલ્સ કરી રહ્યા છે. જો સલમાન ખાન ફિલ્મસ્ટાર ન હોત અને કોઈ સરકારી ઓફિસમાં કામ કરતા હોત, તો કદાચ તેમને રિટાયરમેન્ટ મળી ગઈ હોત અને સિનિયર સિટિઝનના બધા લાભ મળતા હોત. આપણા દેશમાં નિયમો તો એવા જ છે, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોતાના નિયમો પ્રમાણે ચાલે છે. અહીં જે જેટલો યુવાન દેખાય છે, તે એટલો લાંબો સમય ટકે છે. સલમાનના કેસમાં પણ એવું જ બન્યું છે. તેમણે પોતાનો સુપરસ્ટાર ઓરા આજ સુધી જાળવી રાખ્યો છે.નહીં તો અગાઉ પણ ઘણા સુપરસ્ટાર્સ આવ્યા છે. તેઓ પણ 60 વર્ષની ઉંમરે પહોંચ્યા હતા, પરંતુ 60 થતા પહેલાં જ તેમને કેરેક્ટર રોલ્સ આપવામાં આવ્યા હતા
અને પછી લાઈફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપી ઘરે બેસાડી દેવામાં આવ્યા હતા. આ યાદીમાં રાજેશ ખન્નાથી લઈને અમિતાભ બચ્ચન સુધીના નામ આવે છે. તો ચાલો આજે જાણીએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગોલ્ડન એરા ના સુપરસ્ટાર્સ જ્યારે 60 વર્ષના થયા ત્યારે શું તેઓ લીડ હીરોના રોલ્સ કરી રહ્યા હતા કે ઇન્ડસ્ટ્રીએ તેમને રિટાયર કરી દીધા હતા.શરૂઆત કરીએ દિલીપ કુમાર સાહેબથી. દિલીપ કુમાર 1982માં 60 વર્ષના થયા હતા. તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી શ્રેષ્ઠ અભિનેતાઓમાં ગણાતા હતા. પોતાની કારકિર્દીની શરૂઆતથી જ 80 અને 90ના દાયકામાં પણ તેમની લોકપ્રિયતા જળવાઈ રહી હતી. પરંતુ જ્યારે તેઓ 60 વર્ષના થયા ત્યારે પણ તેઓ ફિલ્મોમાં કામ કરતા હતા, પરંતુ હવે તેમને યુવાનીના લવરબોય રોલ્સ મળતા નહોતા. હવે તેમને કેરેક્ટર રોલ્સ મળતા હતા. હા, એ રોલ્સ ખૂબ જ દમદાર હતા અને આખી ફિલ્મ તેમની આસપાસ ફરી વળતી હતી. એટલે કહી શકાય કે 60 પછી તેઓ લીડ હીરો નહોતા રહ્યા, પણ મજબૂત કેરેક્ટર રોલ્સ કરતા હતા.
આ યાદીમાં બીજું નામ છે રાજેશ ખન્ના સાહેબનું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સુપરસ્ટાર. જેટલી ઝડપથી તેઓ ઊંચાઈએ પહોંચ્યા, એટલી જ ઝડપથી તેમનો ડાઉનફોલ આવ્યો. રાજેશ ખન્નાને તો 60 પહેલા જ પિતાના રોલ મળવા લાગ્યા હતા. 1990માં આવેલી ફિલ્મ સ્વર્ગમાં તેઓ પિતાના રોલમાં હતા. ત્યારે તેમની ઉંમર આશરે 50 વર્ષની હતી. 2002માં જ્યારે તેઓ 60 વર્ષના થયા, ત્યારે તો ફિલ્મો મળવી લગભગ બંધ થઈ ગઈ હતી. બાદમાં તેમણે કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને ટીવી પર કમબેકની પણ ચર્ચા હતી. એટલે કહી શકાય કે ઇન્ડસ્ટ્રીએ તેમને 60 સુધી પહોંચવા પણ દીધા નહીં.હવે વાત કરીએ ધર્મેન્દ્રની. પોતાની યુવાનીમાં ધર્મેન્દ્ર ખૂબ જ હેન્ડસમ અને લોકપ્રિય હતા. તેમની હીરોઈનો સાથેની કેમિસ્ટ્રી જબરદસ્ત હતી. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે તેમના પુત્ર સની દેઓલ પણ સુપરસ્ટાર બની ગયા હતા. 80ના દાયકામાં બંને સાથે ફિલ્મો કરી રહ્યા હતા. પરંતુ 90ના દાયકામાં, જ્યારે ધર્મેન્દ્ર 60ની નજીક પહોંચ્યા,
ત્યારે ઇન્ડસ્ટ્રીએ તેમને કામ આપવાનું બંધ કરી દીધું. કેરેક્ટર રોલ્સ પણ ખાસ મળ્યા નહીં. 1995-96 દરમિયાન તેમણે કેટલીક એવી ફિલ્મોમાં કામ કર્યું જેનું ન તો સ્ટોરી લેવલ સારું હતું ન તો પ્રોડક્શન ક્વોલિટી. પછી તેમણે પ્રોડ્યુસર બનવાનો નિર્ણય લીધો. બાદમાં સલમાન ખાનની ફિલ્મ ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’માં તેઓ કાજોલના કાકાના રોલમાં જોવા મળ્યા. ત્યારે તેમની ઉંમર 62 વર્ષની હતી. હવે વિચારો કે આજે સલમાન ખાનને અનન્યા પાંડે કે શનાયા કપૂરના પિતા બનવાનો રોલ આપવામાં આવે તો શું તેઓ સ્વીકારશે?હવે વાત કરીએ અમિતાભ બચ્ચનની. જેમણે 70 અને 80ના દાયકામાં એંગ્રી યંગ મેન બનીને રાજ કર્યો હતો. પરંતુ 90ના દાયકામાં તેમને પણ સાઈડલાઇન કરી દેવામાં આવ્યા. 2002માં તેઓ 60 વર્ષના થયા, પરંતુ તે પહેલાં જ તેમને કેરેક્ટર રોલ્સ મળવા લાગ્યા હતા. 90ના દાયકામાં તેમનો સમય ખૂબ મુશ્કેલ હતો.
લીડ રોલ્સ મળતા નહોતા અને કેરેક્ટર રોલ્સ કરવા તેઓ તૈયાર નહોતા. તેથી તેમણે પ્રોડક્શન શરૂ કર્યું, જે નિષ્ફળ ગયું. ભારે કર્જામાં ફસાયા. ત્યારબાદ તેમણે ટીવી પર કેબીસીથી કમબેક કર્યું અને પછી ‘મોહબ્બતें’, ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મોમાં દાદા અને પ્રિન્સિપલના રોલ કર્યા.હવે સલમાન ખાન 60 વર્ષના છે. શું તેઓ દાદા જેવા રોલ્સ કરશે? અને જો કરશે તો શું તેમના ફેન્સ તેમને એ રીતે સ્વીકારશે?આ યાદીમાં એક નામ વધુ છે – ગોવિંદા. 90ના દાયકામાં જેમણે રેકોર્ડ તોડ કમાણી કરી હતી. એક સમય એવો પણ હતો જ્યારે અમિતાભ બચ્ચનને પણ કમબેક માટે ગોવિંદાની જરૂર પડી હતી.
ગોવિંદા 2023માં 60 વર્ષના થયા. પરંતુ તેમને તો ઇન્ડસ્ટ્રીએ 2000 પછીથી જ સાઈડલાઇન કરી દીધા હતા. તેમણે પછી રાજકારણમાં પ્રયત્ન કર્યો, ત્યાં નિષ્ફળ ગયા. પાછા ફિલ્મોમાં કમબેક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વજન વધ્યું, હેર લાઇન બદલાઈ ગઈ અને રોલ્સ પણ મજબૂત નહોતા. ‘પાર્ટનર’ અને ‘ભાગમભાગ’ જેવી ફિલ્મો બાદ ફરી બ્રેક આવી ગયો. ત્યારબાદ જે ફિલ્મો કરી તે પણ ખાસ ચાલી નહીં. આજ સ્થિતિ એવી છે કે ખુદ ગોવિંદાની પત્ની પણ કહે છે કે હવે તેમને લીડ હીરોના રોલ્સ નહીં કરવા જોઈએ.આ બધાની વચ્ચે સલમાન ખાન 60ના થઈને પણ લીડ હીરો છે. પરિવાર, ફેન્સ અને પ્રોડ્યુસર બધા જ તેમને એ રીતે સ્વીકારે છે. એટલે જ આજે પણ કોઈ પ્રોડ્યુસર સલમાન ખાનને દાદા, ચાચા કે મામાના રોલ્સ ઓફર કરતો નથી. તેઓ આજે પણ પૂરા હીરો છે.