બોલિવૂડના એવા ઘણા કપલ છે, જેમની કેમિસ્ટ્રી અને લવ સ્ટોરી લોકોને આજે પણ પસંદ છે. આવા કપલમાં અમિતાભ બચ્ચન-જયા બચ્ચન, દિલીપ-સાયરા બાનુ, ધર્મેન્દ્ર-હેમા માલિની અને ઋષિ કપૂર અને નીતુ કપૂરનો સમાવેશ થાય છે, જેમની લવ સ્ટોરી લગ્ન સુધી અને લગ્ન પછી પણ લોકોને સાંભળી ગમે છે. જણાવી દઈએ કે, 23 જાન્યુઆરી, 1980ના રોજ બોલિવૂડના અને કપૂર પરિવારના સૌથી રોમેન્ટિક કપલના લગ્ન થયા હતા. ત્યારે હવે 43 વર્ષ બાદ ફરી એકવાર તેમના લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.
બોલીવુડમાં ચિન્ટુ જી તરીકે ઓળખાતા એક્ટર ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ આજે પણ લોકો તેમના ફિલ્મી કિસ્સા અને નીતુ સિંહ સાથેના તેમના અફેર અંગે વાંચવાનું સાંભળવાનું પસંદ કરે છે. ઋષિ કપૂર અને નીતુના લગ્ન પછી દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ ડિરેક્ટર રાજ કપૂરે આર કે સ્ટુડિયોમાં બોલિવૂડ સેલેબ્સ માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી માટે એક શાનદાર કાર્ડ છપાવ્યું હતું, જે 43 વર્ષ પછી ફરી વાયરલ થઈ રહ્યું છે.
નીતુ અને ઋષિ કપૂરના લગ્ન 23 જાન્યુઆરી, 1980ના રોજ થયા હતા. હાલ જે કાર્ડ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, તે બંનેના લગ્નનું રિસેપ્શન કાર્ડ છે. કાર્ડમાં જણાવ્યા મુજબ, આ રિસેપ્શનનું વેન્યુ આરકે સ્ટુડિયો હતું. લગ્ન બાદ યોજાયેલા આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
લગ્નના રિસેપ્શનમાં આમંત્રિત કરવા માટે છપાયેલું આ કાર્ડ એકદમ સાદું સિમ્પલ છે, પરંતુ તેના પર લખેલા નામ ખૂબ જ ખાસ છે. કાર્ડના ટોપ પર આર.કે. સ્ટુડિયોના લોગો અને આમંત્રિતોમાં પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, શમ્મી કપૂર, શશી કપૂર, પ્રેમનાથ અને રણધીર કપૂરના નામો છે. આ તે સમય હતો, જ્યારે ભારતીય સિનેમામાં કપૂર પરિવારનો દબદબો હતો અને દરેક વ્યક્તિ આ ખાસ પ્રસંગનો ભાગ બનવા માંગતા હતા.
ઋષિ અને નીતૂ કપૂરનું વેડિંગ રિસેપ્શન કાર્ડ વાયરલ થતાની સાથે જ યુઝર્સ તેના પર ફની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે આ કાર્ડમાં કરિશ્મા અને કરીના કપૂર તરફથી કોઈ રિક્વેસ્ટ કેમ નથી કે, ‘મારા કાકાના લગ્નમાં જલુલ-જલુલથી આવજો’.
જણાવી દઈએ કે, લગ્ન બાદ નીતુએ પોતાના પરિવાર માટે પોતાનું કરિયર છોડી દીધું હતું, બંનેએ ઘણા ઉતાર-ચઢાવ જોયા, પરંતુ હાર ન માની. કહેવાય છે કે બંને એકબીજા વગર રહી શકતા ન હતા. વિદેશમાં સારવાર દરમિયાન અને અંતિમ દિવસો સુધી નીતુ ઋષિ કપૂરની તાકાત બની રહી હતી.