જે બાળકોને પોતાના હાથે જમાડી મોટા કર્યા હોય તે બાળકો સમજણા થાય, અભ્યાસ કરતા થાય અને તેમના માતાપિતા કરતા વધુ નામ કમાય ત્યારે કોઈપણ માબાપ એ પછી સામાન્ય વ્યક્તિ હોય, મોટો બિઝનેસમેન હોય કે કોઈ સેલિબ્રિટી તમામ ને એક અલગ જ આનંદ થતો હોય છે અને આ આનંદ તેમની આંખોમાં, તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતો હોય છે.હાલમાં આવો જ ઉત્સાહ, આવો જ હરખ બોલીવુડમાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાનના ચહેરા પર જોવા મળ્યો હતો જ્યારે તેના દીકરા એ પોતાની સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં અભિનય કર્યો હતો.
એ તો તમે જાણતા જ હશો કે હાલમાં મુંબઈની અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંકશન રાખવામાં આવ્યું હતું. જેમાં આરાધ્યા બચ્ચન, તૈમુર ખાન, તેમજ શાહરૂખના દીકરા અબ્રામ ખાને ભાગ લીધો હતો.અબ્રામ ખાને પોતાની સ્કૂલના પ્રોગ્રામમાં અભિનય પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. જેને જોવા શાહરુખ ખાન પોતાના પરિવાર સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અબ્રામ ખાને ઓરેન્જ શર્ટ અને બ્રાઉન કોટ પહેરી અભિનય કર્યો હતો. જો કે કાર્યક્રમ દરમિયાન તેના પહેરવેશ કરતાં તેની સ્પીચ, તેના ડાયલોગ બોલવાના અંદાજે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
પોતાના આ અભિનય દરમિયાન તેને અંતમાં શાહરૂખ ખાનનો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનું સૌથી લોકપ્રિય પોઝ પણ આપ્યો હતો. આ પોઝ આપતા તેને કહ્યું મુજે ગલે લગા લો, મુજે ગલે લગના બહોત પસંદ હે. જે બાદ અબ્રામ શાહરૂખ ખાનની જેમ પોતાના હાથ ફેલાવી ઊભો રહ્યો અને તેની ટીમના વિદ્યાર્થીઓ તેની પાસે આવી ગળે મળવા લાગ્યા હતા. દીકરાનું આટલું સરસ પરફોર્મન્સ જોઈ પિતા શાહરૂખ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાં દીકરાની સફળતાનો ઉત્સાહ દેખાઈ આવ્યો હતો. શાહરૂખની આ લાગણીશીલ પળનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોને જોતા જ અનેક લોકો અબ્રામના અભિનયના વખાણ કરી રહ્યા છે.આવી ક્ષણો સર્જાય ત્યારે કહી શકાય કે દીકરો બાપ કરતા પણ સવાયો.