રાજસ્થાનના જયપુરમાં એક હૃદય દ્રાવક ઘટના બની છે. એક પુત્રએ નશાની લત અને ગુસ્સાના કારણે પોતાની જ માતાને લાકડી વડે એટલી બધી માર મારી કે તેમનું મોત થઈ ગયું.ઘટના 15 સપ્ટેમ્બરની છે.
આરોપીનું નામ નવીન સિંહ છે અને મૃતકનું નામ સંતોષ દેવી હતું. રિપોર્ટ મુજબ બપોરે 2 વાગ્યે વાઇફાઇ કનેક્શનને લઈને મા-બેટા વચ્ચે ઝગડો શરૂ થયો. વચ્ચે જ સંતોષ દેવીએ તેને સિલિન્ડર લાવવા કહ્યું. આ વાતથી નવીન ગુસ્સે ચઢ્યો અને લાકડી વડે માતાને મારવા લાગ્યો.બચાવ કરવા બહેન અને પિતા આગળ આવ્યા, પરંતુ નવીન અટક્યો નહીં. ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી માતા બેહોશ ન થઈ ગઈ.
તરત જ તેમને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું અવસાન થઈ ગયું. મોતનું કારણ માથામાં ગંભીર ઈજા હોવાનું બહાર આવ્યું છે.પોલીસે મૃતકના જેઠ ઓમપાલ સિંહની ફરિયાદ પરથી નવીનને ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે નવીન નશાનો આદી છે. 2020માં તેનું લગ્ન પણ થયું હતું,
પરંતુ માત્ર પાંચ મહિનામાં પત્ની તેને છોડી ગઈ હતી. તેના વિરુદ્ધ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં દહેજ ઉત્પીડનનો કેસ પણ નોંધાયેલો છે.ડી.સી.પી. હનુમાન પ્રસાદે જણાવ્યું કે આ એક ઘરેલુ વિવાદમાંથી ઊભી થયેલી ઘટના છે. આરોપીના પિતા, જે હાલ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે, પણ વચ્ચે પડ્યા હતા, છતાં નવીને માતાને બેફામ માર મારી દીધી.હાલ નવીન પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ ચાલી રહી છે.