Cli

ગુજરાતી ફિલ્મોમાં ફિરોઝ ઈરાની વિલન કઈ રીતે બન્યા?

Uncategorized

જો હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતના ધણી… માણકાનો ઘા પાણકા જેવો… આ ગુલાબની વાત ગુલાબ જેવી… ફિરોઝ ઈરાનીએ વિવિધ ગુજરાતી ફિલ્મોમાં બોલેલા આ સંવાદો આજે પણ લોકોને યાદ છે.ચહેરા પર કુટિલ હાવભાવ અને મરોડદાર અવાજ સાથે ફિરોઝ ઈરાની ફિલ્મના પડદે ખલનાયક તરીકે પ્રગટે ત્યારે પ્રેક્ષકો ખૂબ ધિક્કારે.એક ખલનાયક તરીકે પ્રેક્ષકોની નફરત મેળવવી એ જ ખલનાયકની ખરી પૂંજી હોય છે. આવું જ કંઈક ફિરોઝ ઈરાની પણ માને છે.બીબીસી સાથે વાત કરતાં ફિરોઝ ઇરાની કહે છે કે, “મને હિન્દી ફિલ્મોના જાણીતા ખલનાયક પ્રાણની એક વાત યાદ છે. જેમાં તેમણે કહ્યું હતું કે હીરો વો સક્સેસફુલ જીસકી ઍન્ટ્રી પે તાલીયાં પડે ઔર વિલન વો સક્સેસફુલ જીસકી ઍન્ટ્રી પે ગાલીયાં પડે.”

સિત્તેર, એંશી અને નેવુંના દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં ખલનાયક તરીકે ફિરોઝ ઈરાનીએ તરખાટ મચાવ્યો હતો.ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકે તમને ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, હિતેનકુમારથી માંડીને વિક્રમ ઠાકોર સુધી અનેક ચહેરા યાદ આવશે, પણ ખલનાયક તરીકે ફક્ત ફિરોઝ ઈરાની જ યાદ આવશે.ફિરોઝ ઈરાનીના પિતા ફરિદુન ઈરાની ગુજરાતી નાટકો સાથે સંકળાયેલા હતા.લક્ષ્મી કલા કેન્દ્ર નામની નાટક કંપની ચલાવતા હતા. આઠ વર્ષની વયથી જ ફિરોઝ ઈરાની પણ નાટકોમાં અભિનય કરતા હતા.

ફિરોઝ ઈરાની દેખાવડા હતા. સિત્તેરના દાયકામાં તેમને ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે મુખ્ય ભૂમિકા પણ ઑફર થઈ હતી.સવાલના જવાબમાં ફિરોઝભાઈ હસતા હસતા કહે છે કે, “હું ખલનાયક બન્યો એમાં મારા પિતાની ભૂમિકા છે. તેમણે મને નાટકમાં પણ જોયો હતો. મારાં પાત્રોનું નિરીક્ષણ કર્યું હતું અને મારો સ્વભાવ જાણીને મને કહ્યું હતું કે તું વિલન ખૂબ સારો બનીશ.””એ વખતે હું થોડો ગુસ્સાવાળો પણ હતો. એ પછી 1969માં મેં ફિલ્મ ‘ગુજરાતણ’ કરી.

એ વખતે પિતાએ મને એમાં ખલનાયક બનાવ્યો અને કહ્યું કે તું આગળ જતાં હીરોમાં ટ્રાય નહીં કરતો, વિલનની જ ભૂમિકાઓ ભજવજે.”ફિરોઝ ઈરાની પોતે પણ એવું માનતા હતા કે હીરોના રોલમાં એવું વૈવિધ્ય નથી જેટલું વિલનના રોલમાં હોય છે.તેમણે કહ્યું હતું કે, “સિત્તેરના દાયકામાં મેં જ્યારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એ વખતના હીરોના રોલ સીધાસાદા હતા.””મને એમ થયું કે આમાં મજા નહીં આવે. હીરો કરતાં ખલનાયકનાં પાત્રોમાં વધારે વિવિધતા હોવાનું મને લાગ્યું તેથી મેં ખલનાયક બનવાનું પસંદ કર્યું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *