Cli

વિમાન દુર્ઘટના સ્થળે નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું – સ્મારક બનાવો

Uncategorized

અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક ગત વર્ષે 12 જૂને બનેલી અત્યંત કરૂણ પ્લેન ક્રેશની ઘટનાના એક વર્ષ બાદ હવે ત્યાં પુનઃનિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજની સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગને વ્યાપક નુકસાન થયું હતું. હવે આ ઘટનાના એક વર્ષ બાદ, સરકાર દ્વારા વધુ રૂમો સાથે નવી અત્યાધુનિક હોસ્ટેલ અને નવી મેસ બિલ્ડિંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નવા પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા કુલ ₹105 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ કુલ ખર્ચના 50 ટકા જેટલી રકમ એટલે કે ₹53.12 કરોડ ટાટા એરલાઈન્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવશે. જ્યારે બાકીનો 50 ટકા ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આ વર્ષના બજેટમાં પણ આ માટે જરૂરી જોગવાઈઓ મંજૂર કરી દેવામાં આવી છે

પ્લેન ક્રેશની ઘટનામાં અતુલ્યમ 1 થી 4 હોસ્ટેલ બિલ્ડિંગો પૈકી 3 બિલ્ડિંગોને ભારે નુકસાન થયું હતું. બી.જે. મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચની બેઠકોમાં વધારો થતા હવે કુલ 144 રેસિડેન્ટ ડોક્ટરો માટે વધુ રૂમોની જરૂરિયાત ઊભી થઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ન્યૂ મેન્ટલ કેમ્પસ (મેઘાણીનગર) ખાતે નવી હોસ્ટેલ બ્લોક, અત્યાધુનિક કેન્ટિન અને નવું સબ સ્ટેશન પણ બનાવવામાં આવશે.

દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોએ એવી માંગણી કરી છે કે જ્યાં વિમાન તૂટીને પડ્યું હતું તે સ્થળે એક સ્મારક બનાવવામાં આવે. જોકે, સરકારે તે સ્થળે નવા બાંધકામની મંજૂરી આપતા પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ, સરકાર દ્વારા પણ આ મુદ્દે વિચારણા ચાલી રહી છે અને એવી શક્યતા છે કે જુની મેસ બિલ્ડિંગના સ્થળે સ્મારક બનાવવામાં આવી શકે, જ્યારે નવી મેસ બ્લોક અન્ય જગ્યાએ બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *