તમિલનાડુની રાજનીતિમાં એક નવો ઈતિહાસ રચનાર વિજય થલપતિની પાર્ટી TVKએ 107 બેઠકો જીતી નવી ઓળખ બનાવી. સાથે જ તેમના સહયોગી કોંગ્રેસ, CPI, CPI(M), VCK અને IUMLના સમર્થનથી 120 બેઠકો સાથે નવા સીએમ તરીકે ફિલ્મી અંદાજમાં શપથ લીધા.
શપથવિધિના અનેક વીડિયો અને કહાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિજય થલપતિને હવે લોકો અભિનેતા કરતાં વધુ નેતા તરીકે ઓળખવા લાગ્યા છે. અને આ જ કડીમાં એક ચર્ચા ખૂબ થઈ રહી છે કે જ્યારે જયલલિતા તમિલનાડુની સીએમ હતી ત્યારે તેમણે વિજય થલપતિનું અપમાન કર્યું હતું. અને કહેવાય છે કે એ જ અપમાનનો બદલો લેવા માટે વિજય થલપતિએ એ જ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પોતાની શપથવિધિ રાખી.ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં જ્યારે વિજય થલપતિ શપથ લઈ રહ્યા હતા ત્યારે લગભગ 25-30 વર્ષ જૂની કહાણી ફરી યાદ આવી રહી હતી. કદાચ કોઈએ કલ્પના પણ ન કરી હોય કે શરમાળ, સૌમ્ય અને માસૂમ દેખાતો આ યુવક એક દિવસ પોતાની રાજકીય પાર્ટી બનાવી તમિલનાડુનો મુખ્યમંત્રી બનશે.
આજે ભલે વિજય થલપતિ સીએમની ખુરશી પર બેઠા હોય, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે આ જ મુખ્યમંત્રીની ખુરશીએ તેમના માટે મોટી મુશ્કેલી ઊભી કરી હતી. આ વાત એક દાયકાથી પણ જૂની છે. ત્યારે આ ખુરશી પર “થલાઇવી” તરીકે જાણીતી સ્વર્ગસ્થ જયલલિતા બેઠી હતી.તમિલનાડુમાં સુપરસ્ટારડમને રાજકીય શક્તિમાં બદલવાનું કામ એમજીઆરે કર્યું હતું. જ્યારે એમજીઆરે પોતાની અલગ પાર્ટી AIADMK બનાવી, ત્યારે ફિલ્મોમાંથી મળેલી લોકપ્રિયતાને જ રાજકીય કાર્યકરોમાં ફેરવી દીધી. જયલલિતા પણ તમિલ સિનેમાની ટોચની અભિનેત્રી રહી ચૂકી હતી અને એમજીઆરના નિધન બાદ તેઓ મુખ્યમંત્રી બની.
કહેવાય છે કે જયલલિતા એવા અભિનેતાઓ પર નજર રાખતી હતી જેમની પાસે મોટો ફેનબેઝ હતો અને જે રાજકારણ તરફ ઝુકાવ બતાવતા હતા. તેમને સારી રીતે ખબર હતી કે તમિલનાડુની રાજનીતિમાં ફિલ્મી લોકપ્રિયતા કેટલી મોટી તાકાત બની શકે છે.સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ જયલલિતાના મતભેદોની ઘણી વાર્તાઓ છે. જ્યાં રજનીકાંતને ફેન્સ “થલાઇવા” એટલે કે બોસ અથવા સુપ્રીમ લીડર કહેતા, ત્યાં જયલલિતાને “થલાઇવી” કહેવામાં આવતું હતું. આ સિવાય જયલલિતાએ અભિનેતા અને રાજકારણી બનેલા વિજયકાંત સાથે પણ રાજકીય ટક્કર લીધી હતી.
2013માં જયલલિતા સરકારે કમલ હાસનની ફિલ્મ “વિશ્વરૂપમ”ને લઈને પણ મુશ્કેલીઓ ઊભી કરી હતી. અને રાજકારણ તરફ ઝુકતા વિજયને પણ જયલલિતાની તીક્ષ્ણ નજરનો સામનો કરવો પડ્યો હતો.2000ના દાયકાની શરૂઆતથી જ વિજય એવી ફિલ્મો કરવા લાગ્યા હતા જે સરકાર અને રાજકીય વ્યવસ્થાને પ્રશ્ન કરતી હતી. લોકો સમજી ગયા હતા કે વિજય ક્યારેક ને ક્યારેક રાજકારણમાં જરૂર આવશે. તેમના પિતા અને જાણીતા ડિરેક્ટર એસ.એ. ચંદ્રશેખર પણ કહી ચૂક્યા હતા કે તેઓ એવું જ ઈચ્છે છે.
2009માં ચંદ્રશેખરે વિજયના તમામ ફેન્સ ક્લબને એક મોટા સંગઠનમાં ફેરવ્યું, જેને “VMI વિજય મક્કલ ઇયક્કમ” તરીકે ઓળખવામાં આવતું હતું. અને આ જ સંગઠનને 2024માં વિજયે પોતાની પાર્ટી TVKમાં ફેરવ્યું.2010 પછી વિજય અને તેમના પિતાના નિવેદનો તથા પ્રવૃત્તિઓમાંથી રાજકીય સંકેતો આવવા લાગ્યા હતા. મોટો વિવાદ ત્યારે થયો જ્યારે ચંદ્રશેખરે વિજયને લઈને “થલાઇવા” ફિલ્મ બનાવી. ફિલ્મની ટેગલાઇન હતી “Time To Lead” એટલે કે હવે નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે.
8 ઓગસ્ટ 2013ના રોજ ફિલ્મ રિલીઝ થવાની હતી. પરંતુ તે પહેલાં અનેક થિયેટરોને બોમ્બ ધમાકાની ધમકીઓ મળવા લાગી. ત્યારબાદ જયલલિતા સરકારે સુરક્ષાના કારણો બતાવી ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી ન આપી. આખા દેશમાં ફિલ્મ રિલીઝ થઈ ગઈ, પરંતુ વિજયના પોતાના રાજ્ય તમિલનાડુમાં ફિલ્મ અટકાવી દેવામાં આવી.ઘણી મીડિયા રિપોર્ટ્સ મુજબ જયલલિતા “Time To Lead” ટેગલાઇનથી નારાજ હતી. વિજય અને તેમના પિતા જયલલિતાને મળવા પણ ગયા હતા, પરંતુ તેમને મળ્યા વગર પરત ફરવું પડ્યું. પછી ટેગલાઇન બદલી દેવામાં આવી.
બાદમાં એન્ટરટેઇનમેન્ટ ટેક્સનો મુદ્દો ઉભો થયો. 2006થી તમિલ ટાઇટલ ધરાવતી ફિલ્મોને ટેક્સમાં છૂટ મળતી હતી. “થલાઇવા” એ જ આધાર પર વેચાઈ હતી. પરંતુ સરકાર વિરુદ્ધ જવું સહેલું નહોતું. આખરે “Time To Lead” હટાવવું પડ્યું.વિજયે એક વીડિયો સંદેશ પણ આપ્યો હતો જેમાં તેમણે ફેન્સને શાંતિ રાખવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે ફિલ્મ માત્ર મનોરંજન માટે છે, તેમાં કોઈ રાજકીય હેતુ નથી. અંતે 20 ઓગસ્ટ 2013ના રોજ ફિલ્મ તમિલનાડુમાં રિલીઝ થઈ. ત્યાં સુધી યુએસ, યુકે, મલેશિયા, કેરળ અને આંધ્ર પ્રદેશમાં ફિલ્મ હિટ થઈ ચૂકી હતી.
પરંતુ પાયરસીથી ફિલ્મને મોટું નુકસાન થયું. વર્ષો બાદ ફિલ્મના પ્રોડ્યૂસર રમેશે કહ્યું કે થયેલા નુકસાનની ભરપાઈ માટે વિજયે પોતાની અડધી ફી પરત કરી દીધી હતી.પણ લાગે છે કે જયલલિતાએ વિજયને દિલથી માફ નહોતા કર્યા. “થલાઇવા” રિલીઝ થયા પછી એક મહિના બાદ તમિલ સિનેમાના 100 વર્ષ ઉજવવા માટે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં મોટા સ્ટાર્સને સ્ટેજ સામેની સીટો આપવામાં આવી હતી. પરંતુ વિજય થલપતિને પાછળની લાઇનમાં બેસાડવામાં આવ્યા હતા. લગભગ આખા કાર્યક્રમ દરમિયાન વિજય આસપાસની ખાલી ખુરશીઓ વચ્ચે એકલા બેઠેલા જોવા મળ્યા. પછી અભિનેતા વિક્રમ અને રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત જઈને તેમની બાજુમાં બેઠા હતા.
કહેવાય છે કે વિજયે તેનો જવાબ 2018ની ફિલ્મ “સરકાર” દ્વારા આપ્યો. આ ફિલ્મમાં જયલલિતાની કેટલીક યોજનાઓ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે AIADMKની સરકાર હતી. જોકે જયલલિતાનું અવસાન થઈ ચૂક્યું હતું, છતાં પાર્ટીએ ભારે વિરોધ કર્યો. મામલો હાઈ કોર્ટ સુધી ગયો. પછી ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો અને ઓડિયો ભાગો હટાવવા પડ્યા.આજે જ્યારે વિજય પોતે જ મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા છે, ત્યારે તેમને એ દિવસો જરૂર યાદ આવતા હશે જ્યારે તેઓ જયલલિતાને મળવા માટે પણ સંઘર્ષ કરતા હતા. ઘણા લોકો માને છે કે જયલલિતા સાથેની આ ઘટનાઓએ વિજયને રાજકારણમાં વધુ મજબૂત રીતે આગળ વધવા પ્રેરિત કર્યા.
હવે જોવાનું એ રહેશે કે જયલલિતાની જ ખુરશી પર બેઠેલા વિજય થલપતિ શું નવું ઉદાહરણ સ્થાપિત કરે છે. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં આ જ વાતની ચર્ચા થઈ રહી છે કે એક સમય જે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં તેમને અપમાનિત કરવામાં આવ્યા હતા, એ જ સ્ટેડિયમમાં આજે તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.