“મારું નામ ડૉ. ગણેશ બારિયા છે. મારી ઊંચાઈ ત્રણ ફૂટ અને વીસ કિલો વજન છે. હું એમબીબીએસ (બેચલર ઑફ મેડિસિન બેચલર ઑફ સર્જરી) પૂરું કરીને હાલ ભાવનગરની સર ટી (તખતસિંહજી) જનરલ હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવું છું.”
આટલા પરિચય પછી ડૉ. ગણેશ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “લડત અને સંઘર્ષ તો જીવનનો ભાગ છે. સંઘર્ષ વગરની જિંદગી, જિંદગી નથી હોતી.”ડૉ. ગણેશ બારિયા વિશ્વના સૌથી નાના કદના ડૉક્ટર હોવાનો દાવો કરવામાં આવે છે.
ભાવનગરની સરકારી હૉસ્પિટલમાં આખો દિવસ દરદીઓને તપાસ્યા પછી સાંજે ગોરખી ગામની વાડીમાં ખાટલા પર બેઠાં બેઠાં આ વાત કહે છે. ગોરખી તળાજા પાસેનું નાનું એવું ગામ છે. વાડીમાં જ ગણેશ બારિયાનું છાપરાવાળું ઘર છે.ત્રણ ફૂટનું કદ ધરાવતા ગણેશે એનઇઇટી – નીટ (નૅશનલ ઍલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા પાસ કર્યા પછી પણ ડૉક્ટર બનવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું ત્યારે તેઓ ડૉક્ટર બની શક્યા હતા.ગણેશ જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે સરકસવાળા ગોરખી આવ્યા હતા અને તેમના પપ્પા વિઠ્ઠલભાઈ પાસે એવી માગ કરી હતી કે અમે તમને પાંચ લાખ રૂપિયા આપીએ છીએ.
તમે ગણેશ અમને આપી દો.એ ઘટના યાદ કરતાં વિઠ્ઠલભાઈ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, “સરકસવાળા આવીને પૈસાની મોટી મોટી વાતો કરવા માંડ્યા હતા. મેં કહ્યું કે પૈસા દેતા છોકરો નહીં દઈએ.””તેઓ દાદાગીરી કરવા માંડ્યા કે પરાણે લઈ જઈશું. હિમ્મત ભેગી કરીને અમેય કહ્યું કે તમારી ત્રેવડ હોય તો છોકરાને લઈ જજો.”એ ઘટના પછી તેઓ ક્યારેય ગણેશને એકલો ન મૂકતા.