બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતાના લગ્નજીવનમાં તણાવના સમાચાર ફરી ચર્ચામાં આવ્યા છે. વર્ષો જૂના સંબંધમાં તિરાડ પડવાની ચર્ચા વચ્ચે હવે તેમની દીકરી ટીનાએ પહેલી વાર પરિવારના કલહ વિશે મૌન તોડ્યું છે. ટીનાએ સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષ તેમના પરિવાર માટે ખૂબ મુશ્કેલ રહ્યા છે. સાથે જ તેણે આ વાત પણ કહી કે તે હવે માતા-પિતાથી અલગ રહે છે.
બોલીવૂડ અભિનેતા ગોવિંદાની ખાનગી જિંદગી છેલ્લા બે વર્ષથી સતત ચર્ચામાં રહી છે. ગોવિંદા અને તેમની પત્ની સુનીતા વચ્ચે ચાલી રહેલી અણબનાવની વાતો ઘણા સમયથી સામે આવી રહી છે. સુનીતાએ વિવિધ પોડકાસ્ટ અને ઇન્ટરવ્યૂમાં પોતાના અભિનેતા પતિ પર પરસ્ત્રી સંબંધ અને બાળકોની જવાબદારીથી દૂર રહેવાના આરોપ લગાવ્યા હતા. સુનીતાનું કહેવું છે કે કોમલ નામની એક યુવા અભિનેત્રીના કારણે તેમના અને ગોવિંદા વચ્ચે તણાવ વધ્યો છે. જોકે ગોવિંદાએ આ તમામ આરોપોને હંમેશા નકારી કાઢ્યા છે.
હવે આ સમગ્ર મામલે ગોવિંદા અને સુનીતાની દીકરી ટીનાએ પહેલી વાર ખુલાસો કર્યો છે. ટીનાએ પરિવારની પરિસ્થિતિ અંગે વાત કરતાં સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષ તેમના માટે સરળ રહ્યા નથી. તેણે કહ્યું કે જીવનમાં થોડા મુશ્કેલ સમય આવ્યા હતા, પરંતુ હવે આગળ વધીને જીવનને ખુશીથી જીવવાનો પ્રયાસ કરવો જોઈએ.
ટીના તાજેતરમાં પોતાની માતા સુનીતા આહૂજાના વુમન્સ ડે વ્લોગમાં જોવા મળી હતી. આ વ્લોગની શરૂઆત ટીનાએ જ કરી હતી અને કહ્યું હતું કે આજે તેણે પોતાની મમ્મીના વ્લોગને થોડો સમય માટે પોતાના હાથમાં લઈ લીધો છે અને મમ્મીને એક સરપ્રાઇઝ આપવાનું છે. આ દરમિયાન વ્લોગમાં એક પોસ્ટર દેખાય છે જેમાં ગોવિંદા અને સુનીતાના લગ્નના ૩૭ વર્ષ પછી તલાકની ચર્ચા દર્શાવવામાં આવી હતી. આ પોસ્ટર પર પ્રતિક્રિયા આપતાં ટીનાએ કહ્યું કે છેલ્લા બે વર્ષ તેમના પરિવાર માટે ખૂબ કઠિન રહ્યા છે.
ટીનાએ કહ્યું કે આ સમય સારો નહોતો, જીવનમાં થોડા પડકારો આવ્યા હતા, પરંતુ હવે આગળ વધીને જીવનને ઉજવવાનું છે. તેણે જણાવ્યું કે આજે તે પોતાની મમ્મીને ખાસ અનુભવ કરાવવા માંગે છે અને તેમની મનપસંદ જગ્યાઓ પરથી ખરીદી પણ કરવાની છે.
આ વાતચીત દરમિયાન ટીનાએ એક વધુ ખુલાસો કર્યો કે તે હવે પોતાના માતા-પિતા સાથે રહેતી નથી. તેણે કહ્યું કે બે મહિનાં બાદ તે ઘરે પરત આવી છે અને મુંબઈની ગરમી તેને ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે.
વ્લોગમાં સુનીતા આહૂજાએ પણ પોતાના મનની વાત કહી હતી. તેમણે કહ્યું કે તેઓ જીવનમાં પોતાની તમામ જવાબદારીઓ નિભાવી ચૂકી છે અને હવે તેઓ પોતાના જીવનને રાજાશાહી અંદાજમાં જીવીને આનંદ માણવા માંગે છે.
સુનીતા કરતાં વધુ હવે તેમની દીકરી ટીનાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ટીનાના આ શબ્દોથી લોકો અંદાજ લગાવી રહ્યા છે કે ગોવિંદા અને સુનીતાના સંબંધોમાં ક્યાંક ને ક્યાંક તણાવ છે અને છેલ્લા બે વર્ષથી તેમનો સંબંધ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેની અસર તેમના બાળકો પર પણ પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.