સંજય કપૂર વિશે વાત કરીએ તો થોડા દિવસ પહેલાં તેમનું અચાનક અવસાન થયું હતું. તેમનું નિધન ખૂબ જ આકસ્મિક હતું. તેમની પ્રથમ પત્ની કરિશ્મા કપૂર પણ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહી હતી.જૂન ૨૦૨૫માં તેમના અવસાન બાદથી જ ૩૦૦ કરોડ રૂપિયાની મિલકતના માલિકીના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.
હાલ સૌથી મોટી ખબર એ છે કે કરિશ્મા કપૂરના પુત્ર અને પુત્રી સમાયરા એ પોતાની સાવકી માતા પ્રિયા કપૂર સામે છેતરપિંડીનો આરોપ લગાવી દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.તેમણે ૨૧ માર્ચ ૨૦૨૫ની વસીયતને શંકાસ્પદ અને નકલી ગણાવી છે. અહેવાલ મુજબ કરિશ્માના બાળકોનો આરોપ છે કે સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા કપૂરે મિલકત પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે વસીયતમાં ગડબડ કરી છે.
તેઓ પોતાના પિતાની સંપત્તિમાં યોગ્ય હક માંગે છે.બાળકોનું કહેવું છે કે પ્રિયા કપૂરે પોતાના બે સહયોગીઓ દિનેશ અગ્રવાલ અને નિતીશ શર્મા સાથે મળીને વસીયતને ૩૦ જુલાઈ ૨૦૨૫ની પારિવારિક બેઠક પહેલાં સાત અઠવાડિયા સુધી ઇરાદાપૂર્વક અટકાવી રાખી હતી.કરિશ્માના બાળકો એ અદાલત પાસે વિનંતી કરી છે કે તેમના પિતાની મિલકતનું વહેંચાણ કરવામાં આવે અને દરેકને ૨૦ ટકા હિસ્સો આપવામાં આવે. સાથે જ કેસનો ઉકેલ આવે ત્યાં સુધી તમામ મિલકત ફ્રીઝ કરવાની માંગ પણ કરી છે.આ પહેલાં સંજય કપૂરની માતા અને બહેને પણ પ્રિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
સંજયની માતાએ દાવો કર્યો હતો કે તેમના દસ્તાવેજો પર બળજબરીથી સહી લેવાઈ હતી.માહિતી મુજબ સંજય કપૂર દેશના જાણીતા ઉદ્યોગપતિ હતા. તેમનું ૧૨ જૂન ૨૦૨૫ના રોજ યુકેમાં પોલો રમતી વખતે મધમાખી ગળી જવાથી અવસાન થયું હતું. તેઓ સોના કોમસ્ટર કંપનીના ચેરમેન હતા.આ કંપનીના ઉત્પાદન એકમો ભારત ઉપરાંત ચીન, મેક્સિકો, સર્બિયા અને અમેરિકા ખાતે પણ છે. કંપનીની સ્થાપના તેમના પિતા સુરિંદર કપૂરે ૧૯૯૭માં કરી હતી.હાલ ૩૦૦ કરોડ રૂપિયાની મિલકતને લઈને પરિવારમાં તણાવ અને મતભેદો ઉભા થયા છે.