જેફરી એપસ્ટીન અમેરિકામાં પોતાના ખાનગી આઇલેન્ડ પર નાબાલિક છોકરીઓનું યૌન શોષણ કરતો હતો. તે 18 વર્ષથી ઓછી વયની છોકરીઓને લાલચ, ધમકી અને પૈસાના આકર્ષણથી મજબૂર કરી, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝ જેવી શક્તિશાળી હસ્તીઓ સામે તેમને રજૂ કરતો હતો. પૂર્વ રાષ્ટ્રપતિઓ, રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને જાણીતી હસ્તીઓના નામ સમયાંતરે સામે આવ્યા છે.હવે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા 2017નું જેફરી એપસ્ટીનનું એક ઇમેઇલ જાહેર કરવામાં આવ્યું છે. આ ઇમેઇલમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ હોવાનું જણાવાયું છે. ઇમેઇલમાં શું લખાયું છે તે અંગે આગળ વિડિયોમાં માહિતી આપવામાં આવશે,
પરંતુ આ ખુલાસા પછી કોંગ્રેસે અનેક સવાલો ઉઠાવ્યા છે અને ભારતીય રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે એપસ્ટીન ફાઇલ્સ સાથે કેટલીક નવી તસવીરો અને વિડિયો પણ જાહેર કર્યા છે, જેમાં બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુ સંબંધિત દૃશ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજોમાં એપસ્ટીન અને અન્ય જાણીતી હસ્તીઓ વચ્ચેના ઇમેઇલ્સ, આમંત્રણો અને સંપર્કોની વિગતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ઇમેઇલ મુજબ 9 જુલાઈ 2017ના એક સંદેશામાં લખાયું હોવાનું કહેવામાં આવે છે
કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હિત માટે કંઈક કર્યું હતું. આ લખાણના આધારે કોંગ્રેસે સરકારને સ્પષ્ટતા માંગતી પોસ્ટ્સ અને નિવેદનો આપ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યા છે કે એપસ્ટીન જેવા આરોપિત વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કેમ થયો અને ઇમેઇલમાં લખાયેલી “સફળતા”નો અર્થ શું છે.આ તમામ આરોપો વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રીની 2017ની ઇઝરાયલ મુલાકાત સત્તાવાર હતી
અને ઇમેઇલમાં લખાયેલી અન્ય વાતો એક દોષિત અપરાધીની બકવાસ છે, જેને ગંભીરતાથી લેવી નહીં.દસ્તાવેજોમાં એલન મસ્ક, બિલ ગેટ્સ અને ભારતની ફિલ્મ નિર્દેશિકા મીરા નાયર જેવા નામોનો ઉલ્લેખ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
જોકે ઘણા લોકોએ આવા આરોપોનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેમને એપસ્ટીનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે કોઈ સંબંધ નહોતો.આ સમગ્ર મામલે નવા ખુલાસાઓ, તસવીરો અને ઇમેઇલ્સને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. સરકાર અને સંબંધિત હસ્તીઓ તરફથી સત્તાવાર ઇનકાર અને સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યા છે.