સ્વર્ગ અને નર્કની વાતો અત્યાર સુધી માત્ર ધાર્મિક પુસ્તકો અને કથાઓ સુધી જ સીમિત માનવામાં આવતી હતી. પરંતુ જો કોઈ ટોચનો વૈજ્ઞાનિક તમને કહે કે સ્વર્ગની એક ચોક્કસ લોકેશન છે, તો શું થશે? હાર્વર્ડના પૂર્વ પ્રોફેસર ડૉક્ટર માઈકલ ગુલને એક એવો ખુલાસો કર્યો છે જેણે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. તેમનો દાવો છે કે સ્વર્ગ કોઈ કલ્પિત જગ્યા નથી, પરંતુ બ્રહ્માંડના એક ખાસ ખૂણે ખરેખર અસ્તિત્વમાં છે.
આ અંતર પણ નાનું નથી, ધરતીથી લગભગ 273 બિલિયન ટ્રિલિયન માઈલ દૂર. આજે આપણે તમને એ રહસ્યમય કોસ્મિક હોરાઈઝનની દુનિયામાં લઈ જઈશું, જ્યાં પહોંચતાં જ સમય થંભી જાય છે. શું આ વાસ્તવમાં ઈશ્વરનું ઘર છે કે પછી માત્ર વિજ્ઞાનનું એક અજાયબીભર્યું ચમત્કાર?ચાલો જાણીએ ડૉક્ટર માઈકલ ગુલન વિશે, જેમણે ફિઝિક્સ, મેથ્સ અને એસ્ટ્રોનોમીમાં પીએચડી કરી છે અને હાર્વર્ડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં શિક્ષણ આપ્યું છે. તેમણે આ શોધને વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે જોડીને રજૂ કરી છે.
ડૉક્ટર ગુલન કહે છે કે સ્વર્ગ કોસ્મિક હોરાઈઝન પર સ્થિત છે. એટલે કે બ્રહ્માંડની એ અંતિમ સીમા, જેના પાર આપણે કંઈ પણ જોઈ શકતા નથી. તેમણે એડવિન હબલની 1929ની શોધનો ઉલ્લેખ કરતા કહ્યું કે બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે અને જેટલી દૂર કોઈ ગેલેક્સી છે, એટલી જ ઝડપથી તે આપણાથી દૂર જઈ રહી છે.અહીંથી વાતમાં રસપ્રદ વળાંક આવે છે. આઈન્સ્ટાઈનની થિયરી મુજબ લાઈટની ગતિએ સમય અટકી જાય છે. ડૉક્ટર ગુલનની ગણતરી પ્રમાણે ધરતીથી 273 બિલિયન ટ્રિલિયન માઈલ દૂર એવી એક જગ્યા છે
જ્યાં ગેલેક્સી લાઈટની સ્પીડે દૂર જઈ રહી છે. આ બિંદુએ સમય સ્થિર થઈ જાય છે. ન ભૂતકાળ, ન ભવિષ્ય. માત્ર એક સમયરહિત દુનિયા. અને આ જ જગ્યા ને ડૉક્ટર ગુલન સ્વર્ગ એટલે કે હેવન કહે છે.પ્રોફેસરે આ વિચારને ધર્મ સાથે પણ રસપ્રદ રીતે જોડ્યો છે. તેઓ કહે છે કે બાઈબલમાં સ્વર્ગને ત્રણ સ્તરોમાં વર્ણવવામાં આવ્યો છે અને તેમનો જણાવેલો સર્વોચ્ચ સ્તર સીધો ઈશ્વરના નિવાસ સાથે મેળ ખાતો લાગે છે. તેમનું માનવું છે કે જેમ જેમ બ્રહ્માંડ વિસ્તરે છે તેમ તેમ સ્વર્ગનો વિસ્તાર પણ વધે છે, કારણ કે ત્યાં જતી આત્માઓની સંખ્યા વધી રહી છે.
ડૉક્ટર ગુલન, જે પહેલાં નાસ્તિક હતા અને હવે ખ્રિસ્તી બન્યા છે, તેઓ માને છે કે વિજ્ઞાન અને શ્રદ્ધા એકબીજાથી અલગ નથી.હાલ મુખ્યધારા ના વૈજ્ઞાનિકો આ દાવાને માત્ર અનુમાન અથવા કલ્પના તરીકે જ જુએ છે. તેમના માટે કોસ્મિક હોરાઈઝન એ માત્ર એટલું અંતર છે જ્યાંથી પ્રકાશ આપણ સુધી પહોંચે છે. તેના આગળ શું છે તે કોઈને ખબર નથી. છતાં પણ ડૉક્ટર ગુલનના આ દાવાએ એક ચર્ચા જરૂર જગાવી છે કે કદાચ સ્વર્ગનો માર્ગ ફિઝિક્સની આવી જ જટિલ સમજણમાંથી પસાર થતો હોય. તો શું તમે પણ 273 બિલિયન ટ્રિલિયન માઈલ દૂર આવેલી આ સમયરહિત દુનિયાની સફર કરવા ઈચ્છો છો? તમારી રાય અમને જરૂર જણાવશો.