બોલીવૂડના ખલનાયક પ્રેમ ચોપડાની તબિયત બગડી ગઈ છે.ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપડાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલ તેમની તબિયત કેવી છે તેની માહિતી પરિવારના નજીકના સૂત્રોએ આપી છે.ગ્લેમર જગતમાં એક પછી એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.એક તરફ 89 વર્ષના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે
અને તેમની જલદી તબિયત સુધરે તેની પ્રાર્થનાઓ ચાલી રહી છે.ત્યારે બીજી તરફ 90 વર્ષના પ્રેમ ચોપડાની તબિયત અચાનક બગડતા 10 નવેમ્બરના રોજ તેમને તાત્કાલિક મુંબઈની લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.રિપોર્ટ્સ મુજબ પ્રેમ ચોપડાને હૃદય સંબંધિત તકલીફો હતી, જેના માટે થોડા સમય પહેલા જ તેમની સારવાર થઈ હતી.પરંતુ બાદમાં તેમને ફેફસાંમાં ઇન્ફેક્શન થવાને કારણે હાલત બગડી ગઈ હતી.તેમનો ઉપચાર ડૉ. નિતિન ગોખલે અને જલીલ પારકરનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે
.હાલમાં મળી રહેલી માહિતી મુજબ ચાહકોને ચિંતા કરવાની જરૂર નથી,કારણ કે પ્રેમ ચોપડાને હવે આઈ.સી.યૂ.માંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને તેઓ પરિવાર સાથે છે.તેમના જમાઈ વિકાસ ભલ્લાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે“સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, હાલ તેમની તબિયત સારી છે અને થોડા દિવસોમાં તેમને ડિસ્ચાર્જ મળી જશે. આ ઉંમર સંબંધિત સામાન્ય પ્રક્રિયા છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી.”થોડા સમય પહેલા પણ પ્રેમ ચોપડાના અવસાન અંગેની ખોટી અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી,જે વખતે ખુદ એક્ટરે ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે
.પ્રેમ ચોપડાએ પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં સૈંકડો ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.તેમના સંવાદો, અંદાજ અને અભિનયએ લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.‘બોબી’ ફિલ્મમાં તેમનો પ્રસિદ્ધ ડાયલોગ — “પ્રેમ નામ છે મેરા, પ્રેમ ચોપડા” — આજે પણ લોકપ્રિય છે.90 વર્ષની ઉંમરે પણ તેઓ સક્રિય છે.તાજેતરમાં તેઓ મનોજ કુમારના અંતિમ સંસ્કાર દરમિયાન જોવા મળ્યા હતા,જ્યાં પોતાના મિત્રને છેલ્લી વિદાય આપવા તેઓ લાઠીનો સહારો લઈને પહોંચ્યા હતા.મનોજ કુમારના નિધનથી પ્રેમ ચોપડાને ભારે આઘાત લાગ્યો હતો અને હવે તેમની તબિયત બગડવાની ખબરથી ચાહકો ફરી ચિંતામાં મુકાયા છે.ફેન્સ તેમના જલદી આરોગ્યલાભ માટે પ્રાર્થના કરી રહ્યા છે.