માં-બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી–ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય, ભાઈને ભાળ્યો મૂકતી ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમતેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જયારે ગામમાં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિયા આનંદમાં આવી જઇ બુમો પાડે કે એ… જાન આવી ગઈ જાન આવી ગઈ.
આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ આનંદ એક બાજુ મેલીને ઘરમાં જ્યાં ગણેશ બેસાડ્યા છે (ગણેશ સ્થાપન) ત્યાં આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્રછાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઇ ગયો. જે ઘર માં રમતી હતી ઢીંગલીથી તે સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરણીને પોતાને ગામ જાય છે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે.
માં-બાપ, ભાઈ-બહેન, સહેલી, કુટુંબ-પરિવાર મૂકીને સાસરે જાય છે, આ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ…. પિયરીયાના તમામ સંભારણાને પોતાના હ્રિદય માં એક ખૂણા માં ધરબી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા ? કન્યાની લાગણીયોનો અહિયાં કોઈ વિચાર જ નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપને ઘરેથી શું શું લાવી એના કરતા કેટલું બધું મૂકીને આવી છે માં-બાપ ઘરબાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસારમાંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળકનો જન્મ થવા જેવું છે. બાળક જ્યાં સુધી માના ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં દ્વારા જ મળતું.
કોઈ અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને માના ઉદરમાં પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને ખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે. ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતાના ઘરે હતી કોઈ ચિંતા ન હતી . હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવો ખ્યાલ રાખતા જ હોય છે. જેમ બાળકનો ઉછેર જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો જ ઉછેર મહેનત માંગી લે છે. દીકરીનો જન્મ થયા પછી પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલમાં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે.
ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની જાય છે. જયારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાન છે. બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા શું બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા… એ આવી પપ્પા… આનું નામ દીકરી.