અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં માત્ર એક પ્રવાસીને બાદ કરતા વિમાનમાં હાજર તમામ 241 લોકો માર્યા ગયા હતા.દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા વિશ્વાસકુમાર રમેશ કહે છે કે તેઓ પોતાને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ ગણે છે, પરંતુ સાથે સાથે તેઓ શારીરિક અને માનસિક મુશ્કેલીઓ પણ સહન કરી રહ્યા છે.
અમદાવાદથી લંડન જતું ઍર ઇન્ડિયાનું વિમાન 12 જૂને ઉડાન ભરતાની સાથે ક્રૅશ થઈ ગયું, ત્યારે વિશ્વાસકુમાર તેના સળગતા કાટમાળમાંથી સહીસલામત બહાર નીકળી ગયા હતા. તેઓ કહે છે કે તેઓ જે રીતે બચી ગયા તે એક ‘ચમત્કાર’ હતો. પરંતુ તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે.આ જ વિમાનમાં તેમના ભાઈ અજય પણ બેઠા હતા,
જેમનું મૃત્યુ થયું હતું. વિશ્વાસકુમાર રમેશ યુકેમાં લિસેસ્ટર ખાતે પરત આવી ગયા છે. પરંતુ ત્યારથી તેઓ પોસ્ટ ટ્રોમૅટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (PTSD)નો સામનો કરે છે તે તેમના સલાહકારોએ જણાવ્યું હતું. તેઓ પોતાનાં પત્ની અને ચાર વર્ષના પુત્ર સાથે પણ વાત કરી શકવાની સ્થિતિમાં નથી.
અમદાવાદથી ઍર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ટેક-ઑફ કર્યા પછી થોડી જ સેકન્ડોમાં ક્રૅશ થઈ ગયું હતું.તે વખતે એક વીડિયો શૅર થયો હતો જેમાં વિશ્વાસકુમાર રમેશને ક્રૅશના સ્થળેથી નીકળતા જોઈ શકાય છે. તેમને ઉપરછલ્લી ઈજાઓ થઈ હતી.
બીબીસી સાથે વાત કરતા વિશ્વાસકુમાર રમેશ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે “હું એકમાત્ર બચી જનાર વ્યક્તિ છું, છતાં મને માનવામાં નથી આવતું. આ ચમત્કાર છે.””મેં મારા ભાઈને ગુમાવ્યા છે. મારો ભાઈ મારો આધાર હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ હંમેશાં મારી પડખે હતા.”