14 જાન્યુઆરી એ આખું ગુજરાત ઉત્તરાયણનો તહેવાર મનાવે છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતના દરેક ગામ અને શહેરના ધાબા પર ‘ એ કાપ્યો છે’ અને ‘લપેટ’ની જ બૂમો સંભળાય છે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતમાં એક એવું પણ શહેર છે જ્યાંના લોકો ઉત્તરાયણે ખાસ કારણોસર પતંગ નથી ઉડાવતા. શું છે એ કારણ? કે જેના કારણે આ શહેરના લોકો પતંગ નથી ચગાવતા અને એ દિવસે શું કરીને સંતોષ માને છે?
આજે ઉત્તરાયણના દિવસે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ચૂક્યુ છે. લોકો વહેલી સવારથી જ ધાબા ઉપર પહોંચી જાય છે અને છેક મોડી સાંજે નીચે ઉતરે છે. હવે તમને કોઈ એમ કહે કે, ભાઈ અમારા ગામમાં તો ઉત્તરાયણના દિવસે પતંગ જ નથી ચગાવતા. તો તમને તો નવાઈ લાગે જ ને કે, આપણે આખું વર્ષ ઉત્તરાયણની રાહ જોઈએ છીએ અને આવું કેવું ગામ કે જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ જ ના ઊડે. આપણે વાત કરી રહ્યા છીએ ઐતિહાસિક માતૃગયા તીર્થ સિદ્ધપુરની. આ પ્રકારનો સવાલ અમારા મનમાં પણ થયો અને તેથી જ અમે સિદ્ધપુરના સ્થાનિક અને ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી પાસેથી ઇતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો.
ઐતિહાસિક નગરી સિદ્ધપુર આમ તો માતૃ ગયા તીર્થ તરીકે ઓળખાય છે પણ આ શહેરની અનેક પ્રકારની ઓળખાણો છે. જેમ કે, રુદ્ર મહાલય અને વહોરા મુસ્લિમ સમાજના મકાનો. પણ આજના દિવસે સિદ્ધપુર વિશે ખાસ જાણવા જેવી વાત એ છે કે, આખું ગુજરાત જ્યારે પતંગ ચગાવે છે, ત્યારે સિદ્ધપુરનું આકાશ સાવ ખાલીખમ હોય છે.
સરસ્વતી નદીના ડાબા કાંઠે આવેલ સિદ્ધપુર એક પવિત્ર નગર છે. ગુજરાતની જૂની રાજધાની અણહિલવાડ પાટણથી લગભગ 24 કિમી જેટલું દૂર મંદિરો, કુંડો, આશ્રમો અને અન્ય પવિત્ર સંરચનાથી ઘેરાયેલું આ શહેર એક આદરણીય સ્થળ છે. 10મી સદીની આસપાસ સોલંકી શાસકો હેઠળ આ નગર અગ્રણીતા અને કીર્તિના શિખરે હતું. આ શહેરનું નામ પણ સોલંકી વંશના ગુજરાતના મહાન શાસક સિદ્ધરાજ જયસિંહ પરથી પડ્યું છે. વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને લઈ લોકમુખે અલગ-અલગ વાતો ચર્ચાતી હોય છે. જોકે મોટા ભાગે અને મુખ્ય વાત તો એ જ ચર્ચાય છે કે, રાજા સિદ્ધરાજ જયસિંહના નિધનના શોકને પગલે અહીં ઉત્તરાયણની ઉજવણી થતી નથી.
સિદ્ધપુરમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ કેમ નથી ઉજવાતી તે અંગે અમે જ્યારે ગામ ધણી ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી વામન હરેશભાઈ શુક્લા સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે આ અંગેનો ઇતિહાસ જણાવ્યો હતો. હરેશભાઈ શુક્લાએ જણાવ્યું કે, ‘રાજા સિદ્ધરાજ જયસિંહે જ્યારે રુદ્ર મહાલય બનાવ્યો ત્યારે બ્રાહ્મણોને ઉત્તર દિશામાંથી એટલે કે ઔદિચ્ય બ્રાહ્મણોને તેની પ્રતિષ્ઠા કરવા બોલાવ્યા હતા.
સરસ્વતી નદીના કિનારે 11 માળના રુદ્ર મહાલય માટે વારાણસી-કાશીથી 1023 જેટલા બ્રાહ્મણોને બોલાવ્યા હતા. આ બ્રાહ્મણોને સિદ્ધપુરમાં રહેવા માટે જમીન સહિતની વ્યવસ્થા કરી આપી હતી. આ બ્રાહ્મણો સરસ્વતી નદીના કિનારે સહસ્ત્રકળા માતાનું મંદિર છે ત્યાં પૂજા-અર્ચના કરતાં હતા. આ તરફ પ્રાણ પ્રતિષ્ઠા બાદ 14 જાન્યુઆરીએ રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. રાજાના નિધન બાદ બ્રાહ્મણો સહિતના લોકોએ સિદ્ધરાજ જયસિંહના નિધનના શોક તરીકે ઉત્તરાયણ નહિ ઉજવવાનું નક્કી કર્યું હતું.’