.સામાન્ય રીતે પતિ પત્નીના જીવનમાં જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય છે, ત્યારે તેના પરિણામો ઘણીવાર ઘાતક સાબિત થાય છે. આવી જ એક ઘટના ગુજરાત અને રાજસ્થાન સુધી ફેલાઈ, જેમાં એક શિક્ષિકા આજે રાજસ્થાનની જેલમાં છે.
આખરે શું થયું હતું આ શિક્ષિકા સાથે, તેના પતિએ શું કર્યું, અને કેવી રીતે એક નર્સની હત્યાની સોપારી સુધી વાત પહોંચી, તે જાણીએ.મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા લિંડિ ગામની પ્રાથમિક શાળાની આ વાત છે. આ શાળાની પ્રિન્સિપાલ તરીકે 39 વર્ષીય કાજલ પટેલ ફરજ બજાવતી હતી. દેખાવમાં શાંત, પ્રેમાળ અને સૌ સાથે સારી રીતે વર્તન કરતી કાજલ વિશે કોઈને શંકા પણ ન આવે કે તે ગુનાહિત માનસિકતા ધરાવે છે. સ્કૂલમાં સમયસર આવવું, કામ પૂરુ કરીને ઘરે જવું, કોઈ સાથે ઝઘડો નહીં, ગુસ્સો નહીં, બાળકોની પ્રિય શિક્ષિકા અને ગામના લોકો સાથે સારા સંબંધો. પતિ સાથે પણ કોઈ ખુલ્લો વિવાદ નહોતો.પરંતુ અચાનક કાજલને એક એવી ખબર મળી,
જેણે તેને ગુનાની દુનિયા તરફ ધકેલી દીધી. આ ઘટનાને સમજવા માટે કાજલના જીવન પર નજર કરવી જરૂરી છે.આજથી લગભગ 15 વર્ષ પહેલાં કાજલ પટેલે ઊંઝા એપીએમસીમાં જીરાની દલાલી કરનાર હાર્દિક પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનમાંથી બંનેને એક પુત્ર છે અને શરૂઆતમાં તેમનું જીવન સુખથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન તેમની જિંદગીમાં એક બીજી મહિલાની એન્ટ્રી થઈ અને ત્યાંથી બધું બદલાઈ ગયું.ઊંઝાની એક નર્સ સાથે કાજલના પતિ હાર્દિકનો અફેર શરૂ થયો. આ વાતની જાણ થતાં કાજલે પહેલા પતિ સાથે અને પછી તેની પ્રેમિકા નર્સ સાથે ઝઘડો કર્યો. થોડા સમય માટે બધું શાંત થયું અને કાજલને લાગ્યું કે હાર્દિક હવે તેની પ્રેમિકાથી દૂર રહી રહ્યો છે.
પરંતુ છ મહિના પછી કાજલને ફરી ખબર પડી કે અફેર હજી પણ ચાલુ છે.કાજલે અનેક વખત નર્સ સાથે ઝઘડા કર્યા, સમજાવ્યું કે તે હાર્દિકથી દૂર રહે, પરંતુ નર્સ પર કોઈ અસર થઈ નહીં. આથી કાજલ અને નર્સ વચ્ચેનો તણાવ વધતો ગયો. એક એવો સમય આવ્યો કે કાજલ કોઈપણ સંજોગોમાં નર્સને પોતાના રસ્તામાંથી દૂર કરવા માંગતી હતી. પતિને ગુમાવવાનો ડર એટલો વધી ગયો કે કાજલે નર્સને મારી નાખવાનો પ્લાન બનાવ્યો.
આ દરમિયાન કાજલ અને હાર્દિક થોડા સમય પહેલાં કપલ ટૂર પર ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યાં કાજલની મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થઈ, જેણે પોતાને સીઆઈડી અધિકારી તરીકે ઓળખાવ્યો. કાજલે પોતાના મનમાં ચાલતો નર્સની હત્યાનો પ્લાન તેને કહ્યો. અંતે 15 લાખ રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ.સોપારી મળ્યા બાદ તે વ્યક્તિએ વડોદરાના ટ્રાન્સપોર્ટર ગોપાલ શર્માને પ્લાનમાં સામેલ કર્યો. ગોપાલે આ જવાબદારી રાજસ્થાનમાં નોકરી કરતા અનુજ શર્માને સોંપી. અનુજે રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના પિલોદ ગામના વતની અર્જુન સાથે મળી ગેંગ બનાવી. ગેંગમાં અન્ય પાંચ લોકોને પણ સામેલ કરવામાં આવ્યા.
હત્યાના હથિયાર ખરીદવા માટે એક લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા અને ગેંગના સભ્યોએ જયપુરમાંથી પિસ્તોલ ખરીદી. ઓક્ટોબર મહિનામાં ગેંગ ઊંઝા આવી અને નર્સની રોજની અવરજવર, સમય અને રૂટની રેકી કરી. પરંતુ પકડાઈ જવાની ભીતિને કારણે તેઓ પાછા રાજસ્થાન ચાલી ગયા.
આ દરમિયાન ઝુંઝુનૂ પોલીસને આ પ્લાનની જાણ થઈ. બીજી વખત ગેંગ ગુજરાત આવવાની તૈયારીમાં હતી, તે પહેલાં જ ઝુંઝુનૂ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી. સઘન પૂછપરછ દરમિયાન આખું કાવતરું બહાર આવ્યું અને તેમાં લિંડિ પ્રાથમિક શાળાની શિક્ષિકા કાજલ પટેલનું નામ ખુલ્યું.આથી ઝુંઝુનૂ પોલીસે કાજલ પટેલની પણ ધરપકડ કરી. પોલીસ હવે આ કેસમાં કાજલના પતિ હાર્દિક પટેલની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે.કમલેશ રાવલ, ન્યૂઝ ટોપિકલ. પ્રાઈમ લાઈન માંથી.