અમેરિકી રાજકારણના સૌથી કદાવર ચહેરાઓમાંથી એક ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમના પોતાના હોમટાઉન ફ્લોરિડાથી એવા સમાચાર સામે આવ્યા છે જેણે રિપબ્લિકન છાવણીમાં ખળભળાટ મચાવી દીધો છે. 24 માર્ચે યોજાયેલી ફ્લોરિડાની વિશેષ વિધાયક ચૂંટણીઓ એટલે કે સ્પેશિયલ લેજિસ્લેટિવ ઇલેક્શનના પરિણામોએ માત્ર ટ્રમ્પને વ્યક્તિગત ઝટકો જ નથી આપ્યો, પરંતુ આગામી 2026ની મધ્યવર્તી ચૂંટણીઓ માટે પણ ખતરાની ઘંટડી વગાડી દીધી છે. આ ચૂંટણીનું સૌથી ચોંકાવનારું પરિણામ ફ્લોરિડા હાઉસ ડિસ્ટ્રિક્ટ 87માંથી આવ્યું છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પનો આલીશાન પ્રાઈવેટ રિસોર્ટ માર-એ-લાગો આવેલો છે. ટ્રમ્પ અહીંના રજિસ્ટર્ડ મતદાર પણ છે અને તેમણે પત્ની મેલાનિયા અને પુત્ર સાથે અહીં જ મતદાન કર્યું હતું. તેમ છતાં આ બેઠક પર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એમલી ગ્રેગરીએ શાનદાર જીત મેળવી છે. ગ્રેગરીએ ટ્રમ્પ દ્વારા વ્યક્તિગત રીતે સમર્થિત રિપબ્લિકન ઉમેદવાર જોન મેપલ્સને કડક મુકાબલામાં હરાવ્યા. આ હાર એટલા માટે પણ ઐતિહાસિક માનવામાં આવે છે કારણ કે 2024ની સામાન્ય ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીએ આ જ ક્ષેત્રમાં લગભગ 19% ના જંગી માર્જિનથી જીત મેળવી હતી.
માત્ર 2 વર્ષની અંદર આટલા મોટા માર્જિનનું ખતમ થવું અને બેઠક વિપક્ષના ફાળે જવી રાજકીય વિશ્લેષકોને પણ હેરાન કરી રહી છે.ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીને માત્ર એક નહીં પણ બે મોટા ઝટકા લાગ્યા છે. ડેમોક્રેટ્સે બે એવી બેઠકો રિપબ્લિકનના કબજામાંથી છીનવી લીધી છે જે લાંબા સમયથી તેમનો ગઢ ગણાતી હતી. હાઉસ ડિસ્ટ્રિક્ટ 87 એટલે કે પામ બીચ જ્યાંથી એમલી ગ્રેગરીએ જીત મેળવી છે, તો બીજી તરફ સ્ટેટ સિનેટ ડિસ્ટ્રિક્ટ 14 એટલે કે ટેમ્પાથી ડેમોક્રેટ બ્રાયન નાથને જીત નોંધાવી છે. ટેમ્પાની જીત પણ ઓછી મહત્વની નથી કારણ કે આ વિસ્તાર રિપબ્લિકન રાજકારણનું મજબૂત કેન્દ્ર રહ્યો છે. આ બંને બેઠકો પર મળેલી જીતે ફ્લોરિડાના રાજકીય નકશા પર ડેમોક્રેટ્સની વાપસીના સંકેત આપ્યા છે. ટ્રમ્પની આ હારને તેમની ઘટતી જતી રાષ્ટ્રીય લોકપ્રિયતા સાથે જોડીને જોવામાં આવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા એક સર્વેક્ષણ મુજબ ટ્રમ્પનું જોબ અપ્રૂવલ રેટિંગ ઘટીને 36% ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતો માને છે કે ઈરાન સાથે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે અમેરિકામાં ગેસના ભાવ આસમાને છે અને મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. ટ્રમ્પ વહીવટીતંત્રની વિદેશ નીતિ અને આર્થિક નિર્ણયોથી માત્ર અપક્ષ મતદારો જ નહીં પણ તેમના પોતાના કટ્ટર સમર્થકો પણ હવે અંતર જાળવતા દેખાય છે. ટ્રમ્પની વ્યક્તિગત પ્રતિષ્ઠા દાવ પર હોય તેવી આ વિશેષ ચૂંટણીને ટ્રમ્પ માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવતી હતી. તેમણે પોતે જોન મેપલ્સનું સમર્થન કર્યું હતું. ટ્રમ્પનો તર્ક હતો કે તેમના હોમટર્ફ પર જીત તેમની નીતિઓ પર જનતાની મહોર હશે. જોકે પરિણામ તેનાથી સાવ ઉલટું આવ્યું. મતદારોએ ટ્રમ્પના વ્યક્તિગત પ્રભાવના બદલે સ્થાનિક મુદ્દાઓ અને વધતી આર્થિક અનિશ્ચિતતાને પ્રાથમિકતા આપી.
જોકે આ બે બેઠકો હારવાથી ફ્લોરિડા વિધાનસભામાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી ખતમ થઈ નથી, પરંતુ તેનું પ્રતીકાત્મક મહત્વ ઘણું મોટું છે. આ જીત ડેમોક્રેટ્સ માટે ટોનિકનું કામ કરશે જેઓ છેલ્લા કેટલાક સમયથી ફ્લોરિડામાં પોતાની જમીન શોધી રહ્યા હતા. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જો ટ્રમ્પ પોતાના પાડોશના મતદારોને સમજાવી શકતા નથી, તો નવેમ્બર 2026 માં યોજાનારી આખા દેશની ચૂંટણી તેમના માટે અત્યંત પડકારજનક બની રહેશે. ફ્લોરિડાના આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે અમેરિકી રાજકારણની હવા હવે ધીરે ધીરે બદલાઈ રહી છે, જેનું કારણ સ્પષ્ટપણે ટ્રમ્પની નવી અને આક્રમક નીતિઓને માનવામાં આવે છે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાને ઈઝરાયેલ અને વિસ્તારમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોન્સની 80મી વિનાશક લહેર છોડી દીધી છે. ઓપરેશન ‘ટ્રુ પ્રોમિસ ફોર’ હેઠળ કરવામાં આવેલા આ તાજા હુમલાએ સંરક્ષણ નિષ્ણાતોને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે ઈરાને આ વખતે પોતાની મિસાઈલોની મારક ક્ષમતા અને વોરહેડની ટેકનિકમાં પાયાના ફેરફારો કર્યા છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે પાસદારાન-એ-ઈસ્લામ મુજબ, આજે સવારે છોડવામાં આવેલી મિસાઈલોના આ જથ્થાનું મુખ્ય લક્ષ્ય ઉત્તરી ઈઝરાયેલના સૈન્ય જમાવડાવાળા ક્ષેત્રો એટલે કે તેલ અવીવની બહારનો વિસ્તાર અને કિરિયત શમોના હતા. આ સિવાય ફારસની ખાડીમાં અન્ય ઘણા ઠેકાણાઓને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જે જગ્યાઓ પર ઈરાને મિસાઈલ હુમલા કર્યા ત્યાં એર ડિફેન્સ સિસ્ટમ થોડો સંઘર્ષ કરતી જોવા મળી.ઈરાનની ક્લસ્ટર મિસાઈલોની નીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ હુમલાની સૌથી ચોંકાવનારી વાત ઈરાન દ્વારા તેની ક્લસ્ટર મિસાઈલ ટેકનિકમાં કરવામાં આવેલું પરિવર્તન છે. સૈન્ય વિશ્લેષકોએ કાટમાળના અભ્યાસ અને રડાર ડેટા પરથી પુષ્ટિ કરી છે
કે ઈરાને હવે પરંપરાગત ક્લસ્ટર વોરહેડની રીત બદલી નાખી છે. અગાઉની ટેકનિકમાં એક મિસાઈલ વોરહેડની અંદર ડઝનબંધ નાના નાના સબ-મ્યુનિશન (વિસ્ફોટકો) હોતા હતા, જેનું વજન લગભગ 2.5 થી 3 કિલોગ્રામ રહેતું. તેનો હેતુ એક મોટા અને ખુલ્લા વિસ્તારમાં વિખરાઈને જનહાનિ કરવાનો હતો. પરંતુ હવે ઈરાને ચાર મોટા વિસ્ફોટકોવાળી નવી પ્રણાલી અપનાવી છે. આ નવી ટેકનિક હેઠળ મિસાઈલ હવામાં ફાટ્યા પછી માત્ર ચાર ટુકડાઓમાં વિભાજિત થાય છે, પરંતુ તેમાંથી દરેક વિસ્ફોટકનું વજન 100-100 કિલોગ્રામ છે. આ ફેરફાર ઘણા કારણોસર અત્યંત જોખમી માનવામાં આવે છે. 100 કિલોના આ ભારે વિસ્ફોટકો હવે માત્ર ખુલ્લા મેદાનો સુધી મર્યાદિત નથી રહેતા, પરંતુ તે કોંક્રિટની છત, સૈન્ય બંકરો અને મજબૂત ઈમારતોને પણ સંપૂર્ણપણે નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ઈઝરાયેલી વાયુ સંરક્ષણ પ્રણાલીઓ માટે નાના બોમ્બની તુલનામાં આ ચાર ભારે અને અત્યંત વેગથી પડતા વિસ્ફોટકોને રોકવા વધુ મુશ્કેલ બની ગયા છે. વિસ્ફોટક હવામાં અલગ થયા પછી અલગ-અલગ ખૂણાઓથી પોતાના લક્ષ્ય પર પડે છે. ખુર્રમશહર અને ખૈબરશેકન જેવી અદ્યતન મિસાઈલોમાં આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 100 કિલોના ચાર અલગ-અલગ ધડાકા એક જ લક્ષ્યની આસપાસના મોટા વિસ્તારને કાટમાળના ઢગલામાં ફેરવવા માટે પૂરતા છે. ઈરાને છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલ પર ભારે મિસાઈલ હુમલા કર્યા છે,
જેમાં પ્રતિ કલાક સરેરાશ 10 મિસાઈલો છોડવામાં આવી હોવાના અહેવાલ છે. આ મિસાઈલ હુમલાઓથી તેલ અવીવ અને બેની બ્રાક જેવા શહેરોમાં મોટા ધડાકા થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. તાજા આંકડા મુજબ આ તાજેતરના હુમલામાં આશરે 200 લોકો ઘાયલ થયા છે. અગાઉના હુમલામાં પણ ઘણા નાગરિકો અને બાળકો ઘાયલ થયા હતા. કુલ મળીને ઈરાન ઈઝરાયેલ પર સતત આક્રમક બન્યું છે અને તે હવે સરેરાશ 1 કલાકમાં 20 મિસાઈલો છોડી રહ્યું છે. ઈરાનના આ 80મા હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં હાઈ એલર્ટની સ્થિતિ છે. અમેરિકી સંરક્ષણ વિભાગે કહ્યું છે કે તે સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે, કારણ કે માત્ર ઈઝરાયેલ જ નહીં પરંતુ તાજેતરમાં ઈરાનના પાડોશી દેશો પર પણ હુમલા કરવામાં આવ્યા છે. યુદ્ધની આ નવી ટેકનિકે સંરક્ષણ નિષ્ણાતો વચ્ચે નવી ચર્ચા છેડી દીધી છે. 100 કિલોના આ વિસ્ફોટકોએ સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન હવે માત્ર મનોવૈજ્ઞાનિક દબાણ નહીં પરંતુ મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તબાહી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આગામી કેટલાક કલાકો આ વિસ્તારની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે બંને પક્ષો આગામી ચાલની તૈયારીમાં લાગેલા છે. ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં 5 દિવસ સુધી હુમલા રોકવાની વાત કરી હતી, પરંતુ તેમ છતાં ઈરાન રોકાયું નહીં અને તેણે કહ્યું કે જ્યાં સુધી તેને સંપૂર્ણ સીઝફાયરની ગેરંટી નહીં મળે અને ભવિષ્યમાં કોઈ પણ હુમલો નહીં થાય તેની ખાતરી નહીં મળે ત્યાં સુધી તે હુમલા ચાલુ રાખશે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ તણાવ અને યુદ્ધ વચ્ચે એક મોટી રાજદ્વારી હલચલ જોવા મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે 15 મુદ્દાની યોજના રજૂ કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકા વહેલી તકે આ યુદ્ધમાંથી બહાર નીકળવા માંગે છે અને આ માટે ટ્રમ્પ પ્રશાસને 1 મહિનાના તાત્કાલિક સીઝફાયરનો પ્રસ્તાવ મૂક્યો છે.