સુરતના માંડવી તાલુકાના એક ગામનાં લોકો પોતાના ગામના નામથી કંટાળી ગયા છે.લગભગ 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકો એક દાયકા કરતાં વધુ સમયથી તેનું નામ બદલવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આખરે ગામના નામમાં એવું શું છે અને ગામલોકો કેવી કેવી સમસ્યાઓનો સામનો કરે છે?
“અમારા માટે અમારા ગામનું નામ એટલું બધું અપમાનજનક છે કે શરમ આવે છે. અમે ક્યાંક જઈએ અને અમે ચુડેલ ગામથી આવ્યા છીએ એવું કહીએ તો લોકો અમારી મજાક ઉડાવે છે.”આ શબ્દો છે સુરતના માંડવી તાલુકાના ચુડેલ ગામનાં હંસાબહેન ચૌધરીના.લગભગ 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકોને પોતાના ગામનું નામ પસંદ નથી અને તેઓ એક દાયકા કરતાં વધુ સમયથી તેનું નામ બદલવા માટે પ્રયાસ કરી રહ્યા છે.મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત આ ગામમાં 100 ટકા આદિવાસીઓની વસ્તી છે. ગામલોકો કહે છે કે ગામનું નામ ચુડેલ કેમ રાખવામાં આવ્યું હશે તેની અમને ખબર નથી, પરંતુ અમારી ઇચ્છા છે કે તેનું નામ શક્ય એટલી ઝડપથી બદલી નાખવામાં આવે.
ગામનાં એક મહિલા શારદાબહેન ચૌધરીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે “અમને કોઈ અમારા ગામનું નામ પૂછે તો અમે કોઈ પડોશના ગામનું નામ આપી દઈએ છીએ, કારણ કે ‘ચુડેલ’ શબ્દનો અર્થ ‘ડાકણ’ થાય અને અમારા માટે તે શરમજનક છે.”તેઓ કહે છે “મારી દીકરી હૉસ્ટેલમાં ભણે છે ત્યારે ત્યાં બધા તેની મજાક ઉડાવે છે અને કહે છે કે તમારા ગામનું નામ બદલવા માટે તમારે કંઈક કરવું જોઈએ. અમે બસમાં જતા હોઈએ અને ટિકિટ લેવી હોય ત્યારે અમે શરમના કારણે નજીકના બીજા ગામનું નામ કહીને ટિકિટ લઈએ છીએ.”શારદાબહેન કહે છે કે “સામાજિક પ્રસંગોમાં તથા દીકરા-દીકરીઓ માટે પાત્ર શોધવામાં પણ ગામના નામના કારણે તકલીફ પડે છે. અમારા છોકરાઓ માટે યુવતીઓ નથી મળતી, કારણ કે બધા કહે છે કે ચુડેલ ગામમાં અમે દીકરી નહીં આપીએ. આ ઉપરાંત અહીંની દીકરીઓ માટે પણ બહાર પાત્ર શોધવું મુશ્કેલ બને છે. બહારના છોકરાઓ આ ગામમાં છોકરી જોવા આવવાની ના પાડી દે છે.”
ગામના સરપંચ મનસુખભાઈ ચૌધરીએ બીબીસીને જણાવ્યું કે ચુડેલ શબ્દના કારણે મહિલાઓને સૌથી વધારે સંકોચ અનુભવાય છે. આ નામ જેટલી ઝડપથી બદલવામાં આવે એટલું સારું.
તેઓ કહે છે કે, છોકરા ભણી ગણીને બહાર નોકરી કરવા જાય ત્યારે ગામનું નામ ચુડેલ કહે એટલે સામેની વ્યક્તિ તેને ઉપરથી નીચે સુધી જુએ છે. ‘ચુડેલ’ અને ‘ડાકણ’ બહુ ખરાબ વિશેષણ છે, કારણ કે તેની સાથે ઘણી અંધશ્રદ્ધા જોડાયેલી છે. આદિવાસીઓમાં કોઈના ઉપર ‘ચુડેલ’નું બિરુદ લાગી જાય પછી જીવન મુશ્કેલ બની જાય છે અને તેના મામલે હત્યાઓ પણ થઈ હોવાના દાખલા છે.કાંતાબહેન ચૌધરીએ નામનાં મહિલાએ જણાવ્યું કે “અમે ચુડેલ ગામથી આવ્યા છીએ એવું કહીએ એટલે અમને અલગ રીતે જોવામાં આવે છે. છોકરીનો વ્યવહાર કરવો હોય ત્યારે સૌથી વધારે તકલીફ પડે છે. અમારા છોકરાઓ પણ અમને સવાલ કરે છે કે આપણા ગામનું નામ આવું કેમ છે, તેને બદલવામાં કેવું નથી આવતું.”
ગામના ભૂતપૂર્વ સરપંચ અમૃતભાઈ ચૌધરી કહે છે કે “અમે લગભગ એક દાયકા પછી સૌથી પહેલાં ગ્રામપંચાયતમાં ગામનું નામ ચુડેલથી બદલીને ચંદનપુર કરવા માટે ઠરાવ પસાર કર્યો ત્યાર પછી ઉપરના સ્તરે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ગામનું નામ બદલવામાં આવ્યું નથી. અમે અમારી જાતે ગામની બહાર ચંદનપુરનાં પાટિયા મારી દીધાં છે, પરંતુ સરકારી રેકૉર્ડ પર હજુ અમે ચુડેલ ગામના નાગરિકો જ છીએ. રોડ પર લગાવેલા પથ્થર પર પણ ચુડેલ જ લખેલું જોવા મળે છે.”ગામના એક રહેવાસી તુલસીભાઈ ચૌધરી તલાટી તરીકે નોકરી કરી ચૂક્યા છે અને હાલમાં નિવૃત્ત જીવન ગાળે છે. તેઓ માને છે કે “ચુડેલનો અર્થ અમારા આદિવાસી સમુદાય માટે ઘણો ખરાબ થાય છે.”