સુરતના વરાછા વિસ્તારમાં થોડા સમય પહેલા એક હીરાની ચોરીનો કેસ સામે આવ્યો હતો. જેમાં 13 લાખથી વધુ રૂપિયાના હીરાની ચોરી થઈ હોવાની માહિતી સામે આવી હતી. સમગ્ર બનાવ અંગે હાલ વરાછા પોલીસને મોટી સફળતા મળી છે.
પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે.સુરતને હીરા હબ કહેવામાં આવે છે, જ્યાં હીરાના વેપારીઓ સાથે વારંવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે. આવો જ એક બનાવ હાલમાં વરાછામાં બન્યો હતો.
અહીં મીની બજારમાં આવેલી એક ઓફિસમાંથી 13 લાખથી વધુના હીરાની ચોરી થઈ હતી.આરોપીએ ડુપ્લિકેટ ચાવી બનાવીને મોડી રાત્રે ઓફિસનું તાળું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં મુકેલો હીરાનો પેકેટ લઈ ગયો હતો. ચોરાયેલ હીરાનું વજન 6129 કેરેટ હતું, જેની કુલ કિંમત ₹13,65,000 જેટલી થતી હતી.આ મામલાની જાણ થતા જ ફરિયાદી વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે અલગ-અલગ સ્કવૉડ બનાવી ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસને મળેલી જાણકારીના આધારે આરોપી અલ્પેશ રામાણી, જે ઉત્તરણ વિસ્તારમાં રહે છે, તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે ચોરાયેલું મુદ્દામાલ – એટલે કે 6129 કેરેટ હીરું – પણ સંપૂર્ણ રીતે પરત મેળવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી અગાઉથી જ આ ઓફિસ સાથે કોઈક રીતે જોડાયેલ હતો, એટલે તેને અંદરની માહિતી હતી.આ કેસને ઝડપથી ઉકેલવા બદલ વરાછા પોલીસની પ્રશંસા કરવામાં આવી રહી છે.