સુરત શહેર ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઓફિસમાં અભૂતપૂર્વ અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પક્ષના જ બે અગ્રણી વ્યક્તિઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી.
આ વિવાદના દ્રશ્યોનો વીડિયો વાયરલ થતાં સુરત ભાજપની આંતરિક ખેંચતાણ અને જૂથબંધી ખુલ્લી પડી છે.ઘટનાની વિગતો મુજબ, સુરત મહાનગરના ખજાનચી શૈલેષ જરીવાલા અને વરાછા વિસ્તારના પક્ષના સક્રિય કાર્યકર્તા દિનેશ સાવલીયા વચ્ચે કાર્યાલયની અંદર જ જોરદાર બબાલ અને મારામારી થઈ હતી. આ ઘટનાને શહેર ભાજપમાં લાફાકાંડ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે,
કારણ કે બંને નેતાઓ એકબીજા પર હાથ ઉપાડતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા હતા.પાર્ટી ઓફિસમાં આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે, જેણે પક્ષના કાર્યકર્તાઓ અને સામાન્ય જનતામાં આશ્ચર્ય ફેલાવ્યું છે.
જોકે આ મારામારીનું ચોક્કસ કારણ હજી સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ સુરત ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને સત્તા માટેની ખેંચતાણને પ્રકાશિત કરી છે. આ મામલે પક્ષ દ્વારા શું શિસ્તભંગના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.