ભારતની રાજનીતિમાં પાંચ દાયકાથી વધુ સમય સુધી મજબૂત અને સંતુલિત અવાજ તરીકે ઓળખાયેલા પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટીલ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમ છતાં તેમનું જીવનપ્રવાસ, રાજકીય સફર અને તેમનું પારિવારિક જીવન આજે પણ લોકોમાં મોટી રસપ્રદ વાત છે
.12 ડિસેમ્બર 2025ના રોજ 90 વર્ષની વયે લાતુર સ્થિત તેમના નિવાસસ્થાને શિવરાજ પાટીલનું અવસાન થયું. લાંબા સમયથી તેમની તબિયત સારી નહોતી અને પરિવારની હાજરીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના પાછળ પુત્ર શૈલેશ પાટીલ, પુત્રવધૂ અર્ચના અને બે પૌત્રીઓ છે.ચાલો જાણીએ કે શિવરાજ પાટીલ કઈ જાતિમાંથી આવતા હતા, તેમનો પરિવાર કેવો હતો અને કેવી રીતે એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી તેઓ ભારતીય રાજકારણમાં ઊંચું સ્થાન બનાવી શક્યા.
શિવરાજ પાટીલનો જન્મ 12 ઓક્ટોબર 1935ના રોજ મહારાષ્ટ્રના લાતુરમાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ પાટીલ અને માતાનું નામ શારદા પાટીલ હતું. પિતા ખેડૂત હતા અને તેમનો પરિવાર મધ્યમવર્ગીય પૃષ્ઠભૂમિ ધરાવતો હતો. તેમ છતાં શિવરાજ પાટીલે અભ્યાસ અને પરિશ્રમના બળ પર પોતાનું રાજકીય મહત્વ ઉભું કર્યું.
શિવરાજ પાટીલ પંચમશાલી લિંગાયત સમાજમાંથી આવતા હતા, જે મહારાષ્ટ્ર અને કર્નાટકમાં એક પ્રભાવશાળી સામાજિક સમૂહ માનવામાં આવે છે. આ જ તેમનો મુખ્ય સામાજિક આધાર રહ્યો હતો.1963માં તેમનો લગ્ન વિજય પાટીલ સાથે થયો. દંપતીને બે સંતાનો થયા — પુત્ર શૈલેશ અને પુત્રી સ્વપ્ના. તેમની પુત્રવધૂ ડૉ. અર્ચના પણ રાજકારણમાં સક્રિય છે. તેમને બે પૌત્રીઓ છે. પરિવારની બહાર પણ શિવરાજ પાટીલને આધ્યાત્મિક ઝુકાવ માટે ઓળખવામાં આવે છે અને તેઓ સત્ય સાઈ બાબાના ખૂબ નજીકના અનુયાયી હતા.
તેમનો પુત્ર વ્યાપાર ક્ષેત્રે જોડાયેલો છે. તેમની વ્યક્તિગત જિંદગી ખૂબ સાદગીભરી અને પરિવાર સાથે ઊંડા સંબંધો ધરાવતી હતી.અભ્યાસ પ્રત્યે ખાસ રસ ધરાવતા શિવરાજ પાટીલે હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક અને ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. લગભગ બે વર્ષ સુધી તેઓ લાતુર નગરપાલિકામાં પોતાની પ્રારંભિક જવાબદારીઓ નિભાવતા રહ્યા. સ્થાનિક ઓળખ મજબૂત થતા તેમને મોટી રાજનીતિમાં પ્રવેશવાનો મોકો મળ્યો.
લાતુરના પ્રભાવશાળી નેતા કેશવરાવ સોનવડે અને માણિકરાવ સોનવડેે તેમને પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડવા તક આપી અને ત્યારથી પાટીલે ક્યારેય પાછળ ફરીને જોયું નહીં.શિવરાજ પાટીલનું રાજકીય કૌશલ્ય એટલું મોટું હતું કે કોંગ્રેસની લગભગ દરેક મોટી સરકારમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.