બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું શનિવારે મુંબઈમાં અવસાન થયું છે. તેમની વય 74 વર્ષ હતી અને તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતા.
તાજેતરમાં તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. સતીશ શાહને હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.તેમના મેનેજરે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે અભિનેતાનું અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે.
તેમના અવસાનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર તેમના ચાહકો તથા સહકર્મીઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.ફિલ્મ નિર્માતા અશોક પંડિતે સતીશ શાહના અવસાન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે “આપણા પ્રિય મિત્ર અને અદ્ભુત કલાકારનું જવું ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે અપૂર્ણ ક્ષતિ છે. કિડની ફેલ થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.”
સતીશ શાહે પોતાના ચાર દાયકાના કરિયર દરમિયાન સૈંકડો યાદગાર પાત્રો ભજવ્યા હતા. તેઓ ફિલ્મો ઉપરાંત ટેલિવિઝન પર તેમના અનોખા અંદાજ માટે પણ જાણીતા હતા. તેમનો સૌથી લોકપ્રિય શો સારાભાઈ વર્સેસ સારાભાઈ આજે પણ દર્શકોના દિલમાં વસેલો છે, જેમાં તેમણે “ઇન્દ્રવદન સારાભાઈ”નું યાદગાર પાત્ર ભજવ્યું હતું.