બોલીવૂડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થઈ ગયું છે. 25 ઑક્ટોબરના બપોરે 2:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ સતીશ શાહ લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને
તેમની કિડની ફેલ થઈ ગઈ હતી. તેમના મેનેજરે “ઇન્ડિયા ટુડે” અને “આજ તક” સાથેની વાતચીતમાં આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે.સતીશ શાહનો અંતિમ સંસ્કાર 26 ઑક્ટોબરે કરવામાં આવશે. હાલમાં તેમનું પાર્થિવ શરીર હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યું છે. 74 વર્ષની વયે તેમણે આ લોક છોડ્યો છે.
તાજેતરમાં જ એડવર્ટાઇઝિંગ જગતના દિગ્ગજ પિયુષ પાંડેના અવસાનથી બોલીવૂડ ઉબર્યું પણ નહોતું કે હવે સતીશ શાહના અચાનક નિધનથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમગ્ન બની ગઈ છે.સતીશ શાહે તેમના કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરંતુ તેમને ઘરઘરમાં લોકપ્રિય બનાવનાર શો હતો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’, જેમાં તેમણે ઇન્દ્રબદન સારાભાઈ ઉર્ફે ઇંદુનો રોલ ભજવ્યો હતો. આ કોમેડી શોમાં તેમનું કામ દર્શકોના દિલમાં અંકિત થઈ ગયું છે. આજ સુધી Instagram પર આ શોના તેમની સીન અને ક્લિપ્સ વાયરલ થતા રહે છે.તેમના નજીકના મિત્ર અને ફિલ્મમેકર અશોક પંડિતે સોશિયલ મીડિયા પર આ દુખદ સમાચારની જાણકારી આપી હતી.
તેમણે લખ્યું — “અત્યંત દુખ સાથે જણાવું છું કે અમારા મિત્ર અને મહાન અભિનેતા સતીશ શાહનું કિડની ફેલ થવાના કારણે નિધન થયું છે.”સતીશ શાહના પરિવાર વિશે વાત કરીએ તો તેમણે 1972માં ફેશન ડિઝાઇનર મધુ શાહ સાથે લગ્ન કર્યા હતા. દંપતીને સંતાન નથી. 2020માં સતીશ શાહને કોરોના થયો હતો,
પરંતુ લિલાવતી હોસ્પિટલમાં સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા.તેમનો જન્મ 25 જૂન, 1951ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના ભાઈનું નામ નટવર અને બહેનનું નામ માધુરી છે. “ઇન્ડિયા ફોરમ્સ”ના અહેવાલ મુજબ તેમની કુલ સંપત્તિ આશરે ₹5.5 કરોડ છે.હાલમાં સમગ્ર ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકો શોકમાં છે અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.