હમણાં થોડા દિવસ પહેલા મુંબઈ પોલીસે ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં અનેક સેલિબ્રિટીઓના નામ સામે આવ્યા હતા. તેમાં શ્રદ્ધા કપૂર, તેમના ભાઈ સિદ્ધાર્થ કપૂર અને ઓરીનું નામ પણ સામેલ હતું. હવે હૈદરાબાદ પોલીસે પણ આવું જ એક મોટું ડ્રગ્સ કેસ પકડ્યું છે. પોલીસે બે એવા લોકોની ધરપકડ કરી છે, જે હૈદરાબાદમાં નિયમિત રીતે ઘણા લોકોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા.
આ બંને સપ્લાયરોની ધરપકડ બાદ પોલીસએ તેમની પૂછપરછ શરૂ કરી અને તેમણે એવા લોકોની યાદી માગી જેમને તેઓ નિયમિત રીતે ડ્રગ્સ સપ્લાય કરતા હતા. આ યાદીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી રકુલપ્રીત સિંહના ભાઈ અમરપ્રીત સિંહનું નામ પણ સામે આવ્યું છે. રકુલપ્રીત સિંહને આપણે તાજેતરમાં દે દે પ્યાર દે 2 ફિલ્મમાં જોયા હતા.આરોપ છે કે અમરપ્રીત સિંહ આ બંને ડ્રગ ડીલરો પાસેથી નિયમિત રીતે ડ્રગ્સ ખરીદતા હતા. તેઓ ખાસ કરીને કોકેન અને એમડીએમએ જેવી નશીલી વસ્તુઓની માંગ કરતા હતા.
અમરપ્રીત સિંહનું નામ સામે આવ્યા બાદ પોલીસે તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો મોબાઇલ બંધ મળ્યો. તેમના ઘરે અને ઓફિસ પર પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, પરંતુ ત્યાં પણ તેઓ મળ્યા નથી.અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે અમરપ્રીત સિંહ ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસની અનેક ટીમો તેમને શોધવામાં લાગી ગઈ છે. તેમની મોબાઇલ લોકેશન ટ્રેસ કરવામાં આવી રહી છે અને તેમના આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
આ પહેલી વાર નથી જ્યારે રકુલપ્રીત સિંહના ભાઈનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હોય. આ પહેલા પણ સાઉથની કેટલીક હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં જ્યારે પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાં તેમની હાજરી સામે આવી હતી. અગાઉ પણ અમરપ્રીત સિંહ પર અનેક ડ્રગ્સ સંબંધિત કેસ નોંધાયેલા છે.હવે પોલીસ આ પણ તપાસ કરી રહી છે કે અમરપ્રીત સિંહ આ ડ્રગ્સ માત્ર પોતાના ઉપયોગ માટે ખરીદતા હતા કે પછી આગળ કોઈને સપ્લાય કરતા હતા અને તે સપ્લાય ક્યાં થતો હતો.
આ તમામ બાબતોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય તે બોલિવૂડ હોય કે સાઉથ ઇન્ડસ્ટ્રી, બંનેમાં ડ્રગ્સ સેવનના મામલા અનેક વખત સામે આવ્યા છે. અગાઉ પણ પોલીસે અનેક ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને અનેક હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટીઓ પર આરોપો લાગ્યા છે કે તેઓ ડ્રગ્સનું સેવન કરીને કામ કરતા હતા. આ કારણે હવે પોલીસ આ કેસને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને અમરપ્રીત સિંહને ઝડપથી પકડવા માટે ખાસ ટીમો તૈનાત કરી છે.