રાજપાલ યાદવના પક્ષની વાર્તા તો દરેકને ખબર છે અને આ વાર્તાને ખૂબ જ ઇમોશનલ રીતે લોકોની વચ્ચે રજૂ પણ કરવામાં આવી છે. પરંતુ તે બિઝનેસમેનનું શું જેણે રાજપાલ યાદવને પૈસા આપ્યા અને પોતાના જ પૈસા માટે તેને વર્ષો સુધી રાહ જોવી પડી, માનસિક ત્રાસ સહન કરવો પડ્યો. બિઝનેસમેન માધવ ગોપાલ અગ્રવાલ પહેલીવાર મીડિયામાં બોલ્યા અને આખી વાર્તા જણાવી કે કેવી રીતે રાજપાલ યાદવ સાથે મુલાકાત થઈ અને કેવી રીતે તેમણે રાજપાલ યાદવની મદદ કરી, જ્યારે તેઓ સંપૂર્ણપણે પાયમાલ થવાના આરે હતા.માધવ ગોપાલ અગ્રવાલે જણાવ્યું કે રાજપાલ યાદવ સાથે તેમની મુલાકાત રાજનેતા મિથિલેશ કુમાર દ્વારા થઈ હતી. તેઓ જ રાજપાલ યાદવને તેમની ઓફિસે લઈ આવ્યા હતા અને વાતચીત થઈ હતી. ત્યારે રાજપાલ યાદવે જણાવ્યું હતું કે તેમણે એક ફિલ્મ બનાવી છે ‘અતા પતા લાપતા’ અને આ ફિલ્મને રિલીઝ કરવા માટે પૈસા જોઈએ છે. જો પૈસા નહીં મળે તો રાજપાલ યાદવ બરબાદ થઈ જશે. માધવ ગોપાલે વાર્તા સાંભળી લીધી પરંતુ તરત જ પૈસા આપવા માટે હા પાડી નહોતી.
પરંતુ આ પછી રાજપાલ યાદવ જ્યારે પણ દિલ્હી કે શાહજહાંપુર આવતા ત્યારે તેમને મળતા. આ દરમિયાન રાજપાલ યાદવની પત્ની રાધાએ પણ માધવ ગોપાલ અગ્રવાલને મેસેજ કર્યો અને જણાવ્યું કે તમે મારા પિતા સમાન છો અને તમારી મદદ રહેશે તો અમે ખૂબ મોટી મુસીબતમાંથી બહાર નીકળી જઈશું. આ પ્રકારના ઇમોશનલ મેસેજ કરવામાં આવ્યા હતા. આ મેસેજિસના પુરાવા માધવ ગોપાલ પાસે અત્યારે પણ છે. તેમણે કહ્યું છે કે જે પણ હું બોલી રહ્યો છું તે તથ્યો સાથે જ બોલી રહ્યો છું.થોડા મહિના નીકળ્યા અને ત્યારબાદ ફાઈનલી માધવ ગોપાલ અગ્રવાલે રાજપાલ યાદવની મદદ કરી. એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યું અને આ એગ્રીમેન્ટ સાથે તેમણે એક પ્રોમિસરી નોટ પણ રાજપાલ યાદવ પાસે સાઈન કરાવી હતી. માધવ ગોપાલનું કહેવું છે કે પ્રોમિસરી નોટ ત્યારે જ સાઈન કરવામાં આવે છે જ્યારે લોન લેવામાં આવે છે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે ત્યારે પ્રોમિસરી નોટ સાઈન થતી નથી
. તેમણે કહ્યું કે પૈસા આપ્યા પછી રાજપાલ યાદવે અમિતાભ બચ્ચન પાસે પોતાની ફિલ્મની જાહેરાત કરાવી અને એક મોટો ઇવેન્ટ કર્યો, તેમાં પણ માધવ અગ્રવાલને તેમણે ઇન્વાઈટ કર્યા નહોતા. આ ઉપરાંત ફિલ્મની રિલીઝ પહેલા તમામ નેગેટિવ્સ માધવ અગ્રવાલ પાસે ડિપોઝિટ કરાવવાની હતી, તે પણ રાજપાલ યાદવે ન કરી, જેના કારણે આ મામલો કોર્ટમાં પહોંચ્યો.ત્યારબાદ રાજપાલ યાદવે જે પૈસા પરત કરવાની વાત કરી હતી, તે પૈસા પણ તેમણે પરત કર્યા નહીં. મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટમાં એ નક્કી થયું કે રાજપાલ યાદવ દર થોડા થોડા મહિને હપ્તે-હપ્તે આ આખા પૈસા ચૂકવી દેશે અને તેના બદલામાં જ તેમણે કોર્ટમાં સાત સહી કરેલા ચેક આપ્યા હતા. એક વર્ષમાં તેઓ પૈસા ચૂકવવાના હતા. કોર્ટ દ્વારા જ તે ચેક માધવ અગ્રવાલને મળ્યા જે તેમણે ડિપોઝિટ કરાવ્યા અને તે તમામ ચેક બાઉન્સ થયા. માધવ અગ્રવાલે એ પણ જણાવ્યું કે તેમના માટે આ માત્ર આર્થિક મુશ્કેલી નહોતી,
વ્યક્તિગત વેદના પણ હતી કારણ કે પોતાના પૈસા માટે તેઓ રાજપાલ યાદવના ઘરે પણ ગયા. ત્યાં તેઓ બાળકની જેમ રડ્યા અને કહ્યું કે મને પૈસાની જરૂર છે, હું એટલો મોટો બિઝનેસમેન નથી, મેં પણ તમને પૈસા આપ્યા છે તો આમતેમથી લઈને આપ્યા છે, તે પૈસા મારે ચૂકવવાના છે, પ્લીઝ મને મારા પૈસા આપી દો. દર વખતે એક નવું આશ્વાસન મળતું પણ પૈસા મળતા નહીં.માધવ અગ્રવાલે કહ્યું કે એકવાર તેઓ રાજપાલ યાદવને મળવા માટે મુંબઈ પહોંચ્યા. ત્યાં તેમણે હોટલમાં રૂમ બુક કરાવ્યો અને રાજપાલ યાદવને જાણ પણ કરી. રાજપાલ યાદવે કહ્યું કે હું કાલે આવીને મળું છું. બીજા દિવસે જ્યારે માધવ અગ્રવાલે તેમને કોલ કર્યો તો રાજપાલ યાદવનો ફોન સ્વીચ ઓફ મળ્યો
અને 3 દિવસ સુધી રાજપાલ યાદવ ગાયબ રહ્યા. આ દરમિયાન માધવ અગ્રવાલને ખબર પડી કે રાજપાલ યાદવ તો મુંબઈમાં છે જ નહીં, તેઓ જૂઠું બોલી રહ્યા છે, તેઓ તો જયપુરમાં શૂટિંગ કરી રહ્યા છે. ત્યારે માધવ અગ્રવાલે રાજપાલ યાદવને પૂછ્યું કે તમે તો જયપુરમાં શૂટ કરો છો, તો તેમણે કહ્યું કે શું કરું? મારે જયપુર આવવું પડી ગયું. કંઈક આ રીતે માધવ અગ્રવાલને વાતોમાં ફેરવવામાં આવ્યા અને પોતાના જ પૈસા માટે તેમને હેરાન કરવામાં આવ્યા.માધવ અગ્રવાલે કહ્યું કે આટલું બધું થયા પછી પણ તેઓ સીધા કોર્ટ પહોંચ્યા નહોતા. શરૂઆતમાં જે એગ્રીમેન્ટ હતું તેના ત્રણ વાર સબ-એગ્રીમેન્ટ્સ કર્યા અને દર વખતે નિયમ-શરતો બદલી કે હવે રાજપાલ યાદવ માટે એગ્રીમેન્ટ થોડું સરળ કરવામાં આવે જેથી તેઓ પૈસા ચૂકવી શકે. પરંતુ રાજપાલ યાદવે તેમ છતાં પૈસા ચૂકવ્યા નહીં, ત્યારે જઈને આ મામલો કોર્ટમાં પહોંચ્યો. કોર્ટની શરતો રાજપાલ યાદવે જ માની હતી કે હા હું ચેક દ્વારા પૈસા આપી દઈશ, પરંતુ તે પૈસા પણ તેઓ આપી શક્યા નહીં.
એટલે કોર્ટને જે યોગ્ય લાગે છે તે નિર્ણય કોર્ટે આ આખા મામલાને ધ્યાનમાં રાખીને જ સંભળાવ્યો છે.માધવ અગ્રવાલે કહ્યું છે કે તેઓ કોર્ટ મુજબ ચાલી રહ્યા છે અને કોર્ટ જેમ જેમ તેમના પૈસા અપાવશે તેઓ બસ તેની જ રાહ જોઈ રહ્યા છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હું એક બિઝનેસ પરિવારમાંથી આવું છું, મારી ફેમિલીનો દરેક મેમ્બર બિઝનેસમેન છે અને જેવું રાજપાલ યાદવે દાવો કર્યો કે મારો પૌત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે, તો પહેલી વાત જણાવી દઉં કે મારો પૌત્ર 12-13 વર્ષનો છે, તેની ઉંમર જ હીરો બનવાની નથી થઈ અને મારા બધા બાળકો બિઝનેસમાં જ છે. કોઈને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે લેવાદેવા નથી, અમને ફિલ્મોનું નોલેજ જ નથી. એવામાં રાજપાલ યાદવના આ દાવાઓ પણ ખોટા છે. આમ, પહેલીવાર માધવ ગોપાલ અગ્રવાલે આ આખા મામલે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો છે.