રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ દિવસોમાં ભારતમાં મુલાકાતે આવ્યા છે. તેમની મુલાકાત વચ્ચે એક જૂની ચર્ચા ફરીથી તાજી થઈ છે — શું પુતિન પોતાના બોડી ડબલ્સનો ઉપયોગ કરે છે? વર્ષોથી આ સવાલ વિશ્વભરમાં ચર્ચાનો વિષય રહ્યો છે. પુતિન વિશ્વના સૌથી કડક સુરક્ષા વાળા નેતાઓમાં ગણાય છે,
એટલે તેઓ જાહેરમાં દેખાય ત્યારે આ મુદ્દો વધુ ગરમ બની જાય છે.ઘણા વિદેશી મીડિયાના અહેવાલો, નિષ્ણાતોના નિવેદનો અને સોશિયલ મીડિયા ચર્ચાઓમાં વારંવાર કહેવામાં આવે છે કે પુતિન પાસે ઘણા બોડી ડબલ્સ છે, ખાસ કરીને જોખમભરી મુસાફરીઓ દરમિયાન.
કેટલાક લોકો તો એટલું પણ કહે છે કે તેમના જેવા દેખાય તે માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી છે.યુક્રેનની ઇન્ટેલિજન્સ એજન્સીના વડા મેજર જનરલ કિરિલો બુડાનોવનો દાવો છે કે પુતિન ઓછામાં ઓછા ત્રણ બોડી ડબલ્સનો ઉપયોગ કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ તો મજાકમાં એને “ક્લોન આર્મી” કહી દે છે —
પરંતુ આ લોકો સામાન્ય માનવો જ હોય છે, ક્લોન નહીં.પુતિનના ચાલવાના અંદાજે પણ ચર્ચા વધારી છે. ચાલતી વખતે તેમનો જમણો હાથ લગભગ સ્થિર રહે છે. અનેક વીડિયોમાં આ સ્પષ્ટ દેખાયું છે. લોકોનો સવાલ હતો— શું તેમને કોઈ બીમારી છે? શું સ્ટ્રોક આવ્યો હતો? જો કે પછીના અભ્યાસોમાં જાણવા મળ્યું કે આ કોઈ બીમારી નહીં, પરંતુ KGB ટ્રેનિંગનું પરિણામ છે,
જેમાં એજન્ટોને હથિયાર પકડીને ચાલવાની ખાસ પદ્ધતિ શીખવવામાં આવે છે.બોડી ડબલની ચર્ચા 2023માં પણ વધી હતી, જ્યારે પુતિન યુદ્ધ દરમિયાન યુક્રેનના કબજા વાળા વિસ્તારોમાં અચાનક દેખાયા હતા. લોકોનો દાવો હતો કે એટલું જોખમ લેવું શક્ય નથી, એટલે કદાચ તે બોડી ડબલ હશે.2025માં અલાસ્કામાં જ્યારે પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા, ત્યારે પણ સોશિયલ મીડિયા પર તસ્વીરોની સરખામણી કરીને કહ્યું ગયું કે આ વ્યક્તિ અસલી પુતિન નથી. 2022માં તો પુતિનની મૃત્યુની ખોટી ચર્ચાઓ પણ ફેલાઈ ગઈ હતી.
રશિયન સરકાર આ બધા દાવાઓને કલ્પના ગણાવે છે. પુતિન ખુદ કહી ચૂક્યા છે કે તેમણે ક્યારેય બોડી ડબલ્સનો ઉપયોગ કર્યો નથી અને આ બધું રાજકીય પ્રચાર તથા સોશિયલ મીડિયાની કલ્પનાઓ છે.તેમ છતાં, પુતિનની અસાધારણ સુરક્ષા, તેમની ઓછી જાહેર હાજરી, તેમનું અનોખું ચાલવાનું ઢબ અને વિશ્વ રાજનીતિમાં તેમની રહસ્યમય છબી — આ બધું આ મુદ્દાને વારંવાર ચર્ચામાં લાવે છે.પુતિન અને તેમના બોડી ડબલ્સની વાત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની રહી છે — કેટલાક લોકોને આ સત્ય લાગે છે, કેટલાકને સંપૂર્ણ કલ્પના. પરંતુ ચર્ચા ક્યારેય પૂરી થતી નથી.