ભારતીય ઓલિમ્પિક સંઘની અધ્યક્ષ અને રાજ્યસભા સભ્ય પીટી ઉષાના પતિ વી શ્રીનિવાસનનું નિધન થયું છે. પરિવારજનો દ્વારા તેમના અવસાનની માહિતી આપવામાં આવી છે. તેઓ 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા.માહિતી મુજબ, વી શ્રીનિવાસન આજે સવારે પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા.
ત્યારબાદ તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. અચાનક બેભાન થવાને કારણે સડન કાર્ડિયક અરેસ્ટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ મામલે પરિવાર તરફથી હજી સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.પીટી ઉષા અને વી શ્રીનિવાસનના લગ્ન વર્ષ 1991માં થયા હતા. તેમને એકમાત્ર પુત્ર છે. પીટી ઉષા અને વી શ્રીનિવાસનના પુત્ર ડોક્ટર વિગ્નેશ ઉજ્જવલ છે અને તેમની પત્ની કૃષ્ણા છે.
જો વાત કરીએ કે વી શ્રીનિવાસન કોણ હતા, તો તેઓ ઉડન પરી તરીકે જાણીતા ભારતીય એથલિટ અને ભારતીય ઓલિમ્પિક સંઘની અધ્યક્ષ પીટી ઉષાના પતિ હતા. વી શ્રીનિવાસન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ એટલે કે સીઆઈએસએફમાં ડેપ્યુટી એસપી તરીકે ફરજ બજાવી હતી અને થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા હતા.પીટી ઉષા ખુદ અનેક વખત કહી ચૂકી છે કે તેમના પતિ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના સૌથી મજબૂત સ્તંભ રહ્યા છે.
શ્રીનિવાસને પીટી ઉષાના રમતગમતના કરિયરમાં સતત સહયોગ આપ્યો હતો અને ઉષા સ્કૂલ ઓફ એથલેટિક્સની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં, પીટી ઉષા રાજ્યસભા સભ્ય બન્યા બાદ પણ તેઓ હંમેશા તેમના સાથે ઊભા રહ્યા.સરળ અને સહજ વ્યક્તિત્વ ધરાવતા શ્રીનિવાસન વિશે કહેવામાં આવે છે કે તેઓ ભલે પડદા પાછળ રહેતા હતા, પરંતુ રમતગમતને આગળ વધારવામાં તેમની ઊંડી રસ હતો અને તેઓ પીટી ઉષાને સતત માર્ગદર્શન અને સલાહ આપતા રહેતા હતા.