Cli

દુર્ઘટના પહેલા લેન્ડિંગના બે પ્રયાસો થયા હતા?

Uncategorized

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના નેતા અજિત પવારનું આજે એક દુર્ઘટનાગ્રસ્ત વિમાન અકસ્માતમાં અવસાન થયું છે. મુંબઈથી બારામતી જઈ રહેલું વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. તેઓ બારામતી તાલુકામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.હવે આ ઘટનાને લઈને એક નવી માહિતી સામે આવી છે.

જાણવા મળ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરતા પહેલાં વિમાને બે વખત પ્રયાસ કર્યો હતો. આ બંને પ્રયાસોમાં શું બન્યું હતું તે અંગેની વિગતો મુજબ, ફ્લાઇટ રડારના આંકડાઓ બતાવે છે કે આ વિમાન કેનેડાની જાણીતી કંપની બોમ્બાર્ડિયરનું હતું. બોમ્બાર્ડિયર ભારતના મેટ્રો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ સાથે પણ જોડાયેલી રહી છે અને એવિએશન ક્ષેત્રમાં એક પ્રખ્યાત કંપની છે.આ વિમાન લિયર જેટ 45 મોડલનું હતું, જેનો કોડ VT-SSS હતો. વિમાને સવારે 8:10 વાગ્યે મુંબઈ એરપોર્ટ પરથી બારામતી માટે ઉડાન ભરી હતી. મુંબઈથી બારામતીનું અંતર રોડ માર્ગે લગભગ 250 થી 256 કિમી જેટલું છે અને સામાન્ય રીતે વિમાનને આ અંતર કાપવામાં અડધા કલાકથી વધુ સમય લાગતો નથી. પરંતુ તે સમયે વિઝિબિલિટીનો મુદ્દો હતો.

ફ્લાઇટ રડારના ડેટા મુજબ, વિમાન મુંબઈથી ઉડાન ભર્યા બાદ અરબી સમુદ્ર ઉપરથી પસાર થઈને બારામતી તરફ આગળ વધ્યું હતું. આ વિમાન VSR વેન્ચર્સ નામની કંપની દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું. પ્રથમ લેન્ડિંગ પ્રયાસ ખરાબ દૃશ્યતા કારણે નિષ્ફળ રહ્યો, જેના કારણે વિમાન ફરીથી ઊંચાઈએ લઈ જવામાં આવ્યું.આ વિમાન લગભગ 16 વર્ષ જૂનું હતું. પહેલો લેન્ડિંગ પ્રયાસ લગભગ 8:30 વાગ્યે થયો હતો અને તેના 12 મિનિટ પછી, આશરે 8:42 વાગ્યે બીજો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ 8:45 વાગ્યે આ વિમાનનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો. તે સમયે જ ન્યૂઝ ચેનલો પર દુઃખદ સમાચાર આવવા લાગ્યા હતા.ચશ્મદીદોના જણાવ્યા મુજબ, વિમાન બારામતી એરપોર્ટના રનવે તરફ આવી રહ્યું હતું, પરંતુ રનવે સુધી પહોંચતા અંદાજે 100 ફૂટ પહેલાં જ નીચે પટકાયું.

ANIને એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે વિમાન રનવે તરફ સીધું આવી રહ્યું હતું, પરંતુ થોડું પહેલાં જ ક્રેશ થયું.હાલમાં સ્પષ્ટ થયું છે કે વિમાને લેન્ડિંગ માટે બે પ્રયાસ કર્યા હતા. પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને તેના 12 મિનિટ બાદ કરાયેલો બીજો પ્રયાસ પણ દુર્ભાગ્યવશ નિષ્ફળ ગયો. આ અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોનાં અવસાનની પુષ્ટિ થઈ ચૂકી છે.

મૃતકોમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર, તેમના ખાનગી સુરક્ષા અધિકારી પી.એસ.ઓ. વિપિન વિદિપ જાધવ, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, પાઇલટ કેપ્ટન શંભવી પાઠક અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનો સમાવેશ થાય છે. તમામ પાંચ લોકો બારામતી જઈ રહ્યા હતા, જે અજિત પવારનું વિધાનસભા ક્ષેત્ર છે.રાજકીય રીતે પણ આ ઘટના એક અજીબ વિદંબના તરીકે જોવામાં આવી રહી છે. બારામતી એ શરદ પવાર માટે પણ મહારાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ મહત્વની બેઠક રહી છે.

1967થી 1990 સુધી શરદ પવાર અહીંથી ધારાસભ્ય રહ્યા હતા. 1995 પછી આ બેઠક અજિત પવાર પાસે આવી અને ત્યારથી તેઓ સતત અહીંથી ચૂંટાતા આવ્યા છે, લગભગ સાત વખત વિજય મેળવ્યો છે.જ્યાં તેમણે સૌથી વધુ સમય પોતાના મતદારો સાથે વિતાવ્યો, જે જમીને તેમને વારંવાર જીતાડ્યા, એ જ જમીન પર લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવું એક કરુણ સંયોગ છે.હાલમાં કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનું વિશ્લેષણ થયા બાદ વધુ અધિકૃત માહિતી સામે આવશે. જે પણ નવા અપડેટ્સ આવશે, તે તમને પહોંચાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *