બોલિવુડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીના ઘરે થી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. તેમની માતા શ્રીમતી હેમંતી દેવીનું અવસાન થયું છે. પરિવાર તરફથી જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે તેઓ લાંબા સમયથી બિમાર હતાં.ગયા વર્ષે જ તેમના પિતાનું પણ નિધન થયું હતું.
પંકજ ત્રિપાઠી મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના રહેવાસી છે અને તેમની માતાએ ત્યાં જ પોતાના વતનના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.પરિવારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમને અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રી પંકજ ત્રિપાઠીની પ્રિય માતા હવે આ દુનિયામાં નથી રહી. તેમણે પોતાના પરિવારજનોની વચ્ચે શાંતિપૂર્વક અંતિમ શ્વાસ લીધા.”પંકજ ત્રિપાઠી પોતાની માતા સાથે ખૂબ જ નજીક હતાં. અનેક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમની સફળતા અને સંસ્કારો પાછળ તેમની માતાનો મોટો ફાળો છે. તેમની માતા એક ખૂબ જ સાદી અને સૌમ્ય સ્ત્રી હતી,
જેઓને ગામના બધા લોકો “માતા” કહીને સંબોધતા હતાં.શનિવારે તેમનું અંતિમ સંસ્કાર તેમના ગામમાં ધાર્મિક રીતિ-રિવાજો સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો, સગા-સંબંધીઓ અને કેટલાક નજીકના લોકો હાજર રહ્યાં હતાં. વાતાવરણ ખૂબ ભાવુક હતું, પરંતુ બધાએ શાંતિપૂર્વક વિદાય આપી.પરિવાર તરફથી મીડિયા અને શુભચિંતકોને વિનંતી કરવામાં આવી છે કે આ કપરા સમયમાં તેમની પ્રાઇવસીનો આદર રાખે.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે સૌએ પંકજ ત્રિપાઠીની માતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી.પંકજ ત્રિપાઠીએ હંમેશા પોતાના જીવનમાં સાદગી અને પોતાની માટી સાથેના જોડાણને મહત્ત્વ આપ્યું છે. એક વખત તેમણે કહ્યું હતું કે, “માએ શીખવ્યું હતું કે ભલે કેટલા ઊંચા શિખરે પહોંચો, પરંતુ જમીન સાથે જોડાયેલા રહો, એ જ સાચી સફળતા છે.”આ દુખદ સમાચાર પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને ફેન્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે અને પંકજ ત્રિપાઠીના પરિવારે આ આઘાતમાંથી બહાર આવવા માટે શક્તિ મળે તેવી કામના વ્યક્ત કરી છે.