મુરાદાબાદમાં એક દુકાન સામે સફાઈ કર્મચારી દ્વારા કચરો ફેલાવવાનો સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાને લઈને એક્સ (X) પર એક પત્રકારની પોસ્ટ પણ સામે આવી, જેમાં સ્થાનિક પત્રકાર શાહનવાઝે આરોપ લગાવ્યો કે બુદ્ધ બજારમાં તલ્હાની જ્યૂસ, કોલ્ડ ડ્રિંક અને કોફીની દુકાન છે. તલ્હાની દુકાને ગ્રાહકોની ભીડ રહેતી હોવાથી પાડોશી દુકાનદાર ઈર્ષ્યા કરવા લાગ્યો
અને તેણે નગર નિગમના સફાઈ કર્મચારી અજય પાસે કચરો ફેલાવડાવ્યો અને નગર નિગમમાં તેની ફરિયાદ કરી દીધી. પત્રકારના દાવા મુજબ, ત્યારબાદ અધિકારીઓએ તલ્હાની દુકાન ખાલી કરાવવા માટે નોટિસ આપી દીધી. જોકે, દુકાન માલિક અને નગર નિગમનું કહેવું છે
કે આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા કેટલાક દાવા ખોટા છે.હવે આ ટ્વીટને લઈને શાહનવાઝ, બગીરા અને રહીમુદ્દીન એમ ત્રણ લોકો સામે FIR નોંધવામાં આવી છે. આ FIR સફાઈ કર્મચારી અજયના પુત્ર અમન વાલ્મીકીની ફરિયાદ પર નોંધાઈ છે. ફરિયાદમાં જણાવાયું છે કે ૧૭ ફેબ્રુઆરીએ પત્રકાર શાહનવાઝે એક્સ પર નગર નિગમને બદનામ કરવા અને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના હેતુથી ભ્રામક તથ્યો લખ્યા હતા.
પોસ્ટ પર રહીમુદ્દીન ઈદ્રીસીએ લખ્યું હતું કે “મુસ્લિમો પ્રત્યેની નફરતમાં લોકો કેટલા આંધળા થઈ ગયા છે,” જ્યારે બગીરાએ લખ્યું કે “મુસ્લિમોને ફસાવવા અને જેલ મોકલવા કેટલું સરળ થઈ ગયું છે.” પોલીસને વિનંતી કરવામાં આવી છે કે આ પોસ્ટ ડિલીટ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.ઘટના અંગે દુકાનદાર તલ્હા શમીમે જણાવ્યું કે નગર નિગમે તેને માત્ર ફોન પર જાણ કરી હતી કે ગંદકી ફેલાવવાની ફરિયાદ મળી છે. સીસીટીવી ફૂટેજ જોયા પછી સફાઈ કર્મચારીની હરકત સામે આવી અને તેને બરતરફ કરવામાં આવ્યો.
તલ્હાએ સ્પષ્ટ કર્યું કે તેને કોઈ નોટિસ મળી નથી અને વાયરલ પોસ્ટ સાથે તેને કોઈ લેવાદેવા નથી. બીજી તરફ, બરતરફ કરાયેલા કર્મચારી અજયે પાડોશી પાસેથી પૈસા લઈને કચરો ફેલાવવાની વાત નકારી છે. તેણે દાવો કર્યો કે તલ્હા પાસે તેના કામના પૈસા બાકી હતા અને પૈસા માંગવા જતાં તેને ગાળો આપીને ભગાડ્યો હતો, તેથી ગુસ્સામાં આવીને તેણે કચરો ફેંક્યો હતો.નગર નિગમના અપર નગર આયુક્ત અજીત કુમાર સિંહે જણાવ્યું કે આ ઘટના ૮ ફેબ્રુઆરીની છે. સીસીટીવી વીડિયો સામે આવ્યા બાદ કર્મચારીને તુરંત હટાવી દેવામાં આવ્યો હતો. કોઈ દુકાન ખાલી કરવાની નોટિસ અપાઈ નથી અને સોશિયલ મીડિયાના દાવા ખોટા છે. હાલમાં પોલીસ આ મામલે FIR નોંધી તપાસ કરી રહી છે.