Cli

ગેસ કનેક્શનના નવા નિયમો: હવે PNG ધારકોને નહીં મળે LPG સિલિન્ડર?

Uncategorized

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે એક નવો નિયમ જાહેર કર્યો છે જે સીધો એવા ઘરો પર લાગુ થશે જ્યાં પાઈપ્ડ ગેસ (PNG) અને એલપીજી (LPG) સિલિન્ડર બંને કનેક્શન છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે ૧૪ માર્ચના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જે ઘરોમાં પીએનજી કનેક્શન છે, તેઓ હવે ઘરેલું એલપીજી કનેક્શન રાખી શકશે નહીં. જો કોઈની પાસે બંને કનેક્શન હોય, તો તેણે પોતાનું એલપીજી કનેક્શન તરત જ સરેન્ડર કરવું પડશે. સરકારે એલપીજી સપ્લાય અને વિતરણ સાથે જોડાયેલા જૂના નિયમોમાં સુધારો કરીને આ ફેરફાર કર્યો છે.

નવા નિયમ મુજબ, પીએનજી વાપરતા લોકો હવે સરકારી તેલ કંપનીઓ કે તેમના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી એલપીજી સિલિન્ડર રિફિલ કરાવી શકશે નહીં. એટલું જ નહીં, જેમની પાસે પહેલેથી પીએનજી છે તેમને નવું ઘરેલું એલપીજી કનેક્શન પણ આપવામાં આવશે નહીં.સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઇંધણના વૈશ્વિક પુરવઠા પર અસર પડી રહી છે. આ દરમિયાન ઈરાને પણ ભારત સાથે જોડાયેલી એક મહત્વની માહિતી આપી છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ ૨૦2૬માં જણાવ્યું હતું કે ઈરાને કેટલાક ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. જોકે તેમણે જહાજોની ચોક્કસ સંખ્યા જણાવી નથી. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, તેમણે કહ્યું કે ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો અને સમાન હિતો છે. શરૂઆતમાં વાતચીતમાં થોડી મુશ્કેલીઓ હતી,

પરંતુ હવે બંને દેશો એકબીજાને સહકાર આપી રહ્યા છે. રિપોર્ટ મુજબ, ૧૪ માર્ચે ઈરાને ભારતીય ધ્વજ ધરાવતા બે એલપીજી જહાજો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ ને હોર્મુઝ સ્ટેટમાંથી પસાર થવાની પરવાનગી આપી છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે આ દરિયાઈ માર્ગ લગભગ બંધ જેવો છે.બીજી તરફ, ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) ના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં છેલ્લા બે અઠવાડિયામાં નવા પીએનજી કનેક્શન માટેની દૈનિક અરજીઓમાં ૨૦૦% નો વધારો થયો છે. પહેલા દરરોજ ૭૦૦ થી ૮૦૦ અરજીઓ મળતી હતી, જે હવે વધીને ૧૨૦૦ થી ૧૫૦૦ વચ્ચે પહોંચી ગઈ છે. કંપનીનું કહેવું છે કે એલપીજી સપ્લાયને લઈને લોકોમાં ચિંતા વધી છે, તેથી પીએનજી કનેક્શન લેનારાઓની સંખ્યા ઝડપથી વધી છે.

આઈજીએલના પ્રવક્તાના જણાવ્યા મુજબ, કોલ સેન્ટર પર આવતી વિનંતીઓ પણ પહેલા કરતા ત્રણ ગણી વધી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકાર પણ દેશના ૬૦ લાખ એલપીજી ગ્રાહકોને પીએનજી તરફ વળવા કહી રહી છે. આઈજીએલએ એક ઓફર પણ શરૂ કરી છે, જેમાં ૩૧ માર્ચ સુધી અરજી કરનારાઓને પ્રથમ બિલમાં ₹૫૦૦ ની છૂટ મળશે.

કાચા તેલની દ્રષ્ટિએ હોર્મુઝ સ્ટેટ દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગોમાંનો એક છે. વિશ્વના આશરે ૨૦% તેલનો પુરવઠો આ માર્ગેથી પસાર થાય છે. ભારત માટે આ રસ્તો બંધ થવો એ મોટી ચિંતાનો વિષય છે કારણ કે ભારત તેની એલપીજી જરૂરિયાતનો આશરે ૬૦% હિસ્સો આયાત કરે છે. જેમાંથી ૮૫ થી ૯૦% ગેસ સાઉદી અરેબિયા અને યુએઈ જેવા ખાડી દેશોમાંથી આવે છે અને આ જહાજો હોર્મુઝ સ્ટેટ થઈને જ ભારત પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *