કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને સંસદમાં રજૂ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં મોટર વાહન ઉદ્યોગને મોટી રાહત મળી છે. ઈલેક્ટ્રીક વાહન(EV)નું ઉત્પાદન કરનારી કંપનીઓને બજેટમાં મોટી આશા હતી, જેને ધ્યાને લઈને સરકારે બેટરીમાં ઉપયોગ થતાં સામાન પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવાની જાહેરાત કરી છે. આ સાથે હવે ઈલેક્ટ્રીક વાહનોની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે.
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું છે કે, ‘હું એવો પ્રસ્તાવ રજૂ કરું છું કે, બેટરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ‘લિથિયમ-આયન સેલ’ માટે જે મશીનો અને મૂડીગત માલસામાન પર અગાઉથી જ કસ્ટમ ડ્યુટીમાં છૂટ મળે છે, તેવી જ છૂટ હવે ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’માં વપરાતા લિથિયમ-આયન સેલ બનાવવાના સાધનો પર પણ આપવામાં આવશે. આ ઉપરાંત, સોલર ગ્લાસ બનાવવામાં કામ આવતા સોડિયમ એન્ટિમોનેટની આયાત પર પણ મૂળ કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે.’
ઉલ્લેખનીય છે કે, ‘લિથિયમ-આયન સેલ’નો ઉપયોગ ઘણી વધુ શક્તિશાળી સેલ ભેગા કરીને મોટી બેટરી બનાવવામાં આવે છે. જ્યારે ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’ એવી ટૅક્નોલૉજી છે, જેમાં તેનો ઉપયોગ માત્ર વાહનોમાં જ નહીં, પરંતુ મોટા પાયે વીજળીનો સંગ્રહ કરવા માટે થાય છે.
લિથિયમ-આયન સેલ મોટાભાગે ઈલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગ થતી મુખ્ય ટૅક્નોલૉજી છે. આમાં ઈલેક્ટ્રીક વાહનો અને પ્લગ-ઇન હાઇબ્રિડ સામેલ છે. કારણ કે તેની એનર્જી ડેન્સિટી વધુ હોય છે. આ ઉપરાંત તે હળવા હોવાની સાથે વધુ સમય સુધી ચાલે છે.
બજેટમાં આ જાહેરાતથી સ્પષ્ટ છે કે, બેટરી સસ્તી થશે, જેના કારણે ઈલેક્ટ્રીક વાહનોના કિંમત પર પણ અસર પડશે. ઈલેક્ટ્રીક વાહનોમાં ઉપયોગ થતી બેટરીનો ખર્ચ અને કિંમત વધુ હોય છે, જેના કારણે વર્તમાનમાં ઈવી મોંઘા ભાવે વેંચાય છે. તેથી જ બેટરીની કિંમત ઘટવાથી ઈલેક્ટ્રીક વાહનોની કિંતમાં ઘટાડો થશે.લિથિયમ-આયન સેલ બનાવવામાં ઉપયોગ થતા કેપિટલ ગુડ્સ પરની કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવાથી ભારતમાં બેટરી બનાવવાની ખર્ચમાં ઘટાડો થશે. આનાથી બેટરી ઉત્પાદન કરનારાઓ સેલ આયાત કરાવાના બદલે દેશમાં જ ફેક્ટરીઓ સ્થાપીને સેલનું ઉત્પાદન કરી શકશે. બજેટમાં આ રાહતની જાહેરાતથી ઈલેક્ટ્રીક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.