રાજકોટના જંગલેશ્વરમાં બે દિવસ દરમિયાન તોડી પડાયેલાં આ પ્રકારનાં મકાનોની સંખ્યા હવે વધીને 1,504 થઈ ગઈ છે.રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારના રસ્તા પરનાં કથિત દબાણો તેમ જ આજી અને ખોખડદડી નદીના પટ અને કાંઠા પર કથિત અનધિકૃત રીતે ચણવામાં આવેલાં મકાનોને પાડી નાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સોમવારે શરૂ કરેલું અભિયાન મંગળવારે પણ યથાવત્ રહ્યું હતું.દિવસ દરમિયાન મહાનગરપાલિકાએ
આ વિસ્તારનાં વધું 385 મકાનોને જમીનદોસ્ત કર્યાં હતાં, બે દિવસ દરમિયાન તોડી પડાયેલાં આ પ્રકારનાં મકાનોની સંખ્યા હવે વધીને 1,504 થઈ ગઈ છે.મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે બુધવારે કથિત દબાણો પૈકીના બાકી રહેલાં પાંચ ઢાંચા પણ તોડી પાડવામાં આવશે અને આ વિસ્તારમાં તોડી પડાયેલાં બધાં જ મકાનોનો કાટમાળ હઠાવી દેવામાં આવશે.અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે કાટમાળ હઠી ગયા પછી ખુલ્લી કરાયેલી જમીન ઉપર નવા રસ્તાનાં કામનું ખાતમૂહુર્ત ક્યારે કરવું તે બાબતે મહાનગરપાલિકા બુધવાર સાંજે અંતિમ નિર્ણય કરશે,
સાથે જ ઉમેર્યું કે આ કામગીરી ‘યુદ્ધના ધોર’ હાથ ધરાશે.અસરગ્રસ્ત પરિવારોની માંગણી છે કે તેઓ દાયકાઓથી આ મકાનોમાં રહેતા હતા અને આરએમસી તોડી પડાયેલાં મકાનોની જગ્યાએ તેમને વૈકલ્પિક રહેઠાણો આપે.જોકે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સોમવારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ વિસ્તારના પાત્રતા ધરાવતા અંદાજે 800 પરિવારોને વૈકલ્પિક રહેઠાણો જે-તે સમયે જ અપાઈ ચૂક્યાં છે.કૉર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે જેમનાં ઘર રસ્તા પર દબાણ સ્વરૂપે ઊભાં હતાં તેમને વૈકલ્પિક રહેઠાણો આપવાની કોઈ વિચારણા નથી.
ડિમોલિશન ડ્રાઇવમાં એક હજાર 489 મકાનો તોડી પાડવામાં આવશે એમ આરએમસીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. તેમાંથી 992 મકાનો આજી અને ખોખડદડી નદીના પટમાં કે કિનારા પર અને બાકીનાં 497 મકાનો જંગલેશ્વર મેઇન રોડ તથા આ વિસ્તારના અન્ય રસ્તાઓ પર દબાણો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન કામગીરીમાંથી એકમાં સ્થાન પામે તેવા આ અભિયાનના બીજા દિવસે પત્રકારોને માહિતી આપતાં મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીએ જણાવ્યું કે આ ડ્રાઇવમાં કુલ 1,489 નહીં, પરંતુ એક હજાર 509 મકાનો તોડી પાડવામાં આવશે.આરએમસીએ તેની મંગળવારની અખબારી યાદીમાં જણાવ્યું કે 1509 જેટલાં “ગેરકાયદેસરનાં દબાણો” પૈકીનાં 1,504 બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે અને બાકીનાં પાંચને બુધવારે તોડી પાડવામાં આવશે.પોતાનું નામ છતું ન કરવાની શરતે રાજકોટ મહાનગરપાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તોડી પડાયેલાં ઢાંચામાંથી મોટાભાગે રહેણાંક મકાનો હતાં