પાટીદાર એકતા વિશે તો આપણે સૌ જાણીએ છીએ. પાટીદાર સમાજ હમેશા પોતાના લોકોની મુસીબતોમાં સાથે જોવા મળતો હોય છે. આ સમાજ હમેશા પોતાની એકતા માટે ચર્ચામાં આવતો હોય છે પરંતુ હાલમાં આ જ સમાજ અંદરોઅંદર ચાલી રહેલી લડાઈ ને કારણે ચર્ચામાં જોવા મળી રહ્યો છે . હાલમાં વાંકાનેર નજીક બોગસ ટોલનાકું ઉભું કરવામાં સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અંબરીશ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા આ સમાજના લોકો આમને સામને જોવા મળી રહ્યા છે.
વિગતે વાત કરીએ તો મોરબીના વાંકાનેર નજીક જે બોગસ ટોલનાકું ઉભું કરવામાં આવ્યું તે ટોલનાકામાં ઉપયોગમાં લેવાયેલી સિરામીક કંપની જેરામ પટેલના પુત્રની હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ પાટીદાર સમાજનું નામ ખરાબ ન થાય તે માટે સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
જયરામ પટેલના રાજીનામાની માંગ સાથે રાજકોટ ખાતે કડવા પાટીદાર યુવક મંડળના કેટલાક સભ્યો પ્રેસ અને મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમનુ કહેવુ હતુ કે, બોગસ ટોલનાકાની સંડોવણીમાં જયરામ પટેલના દીકરા વિરુદ્ધ અને એફઆઇઆર નોધવામાં આવી છે તો ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટમાંથી જયરામ પટેલે જવાબદારી સ્વીકારી અને નૈતિકતાને આધારે રાજીનામું આપવું જોઈએ.
કડવા પાટીદાર સમાજના સભ્યો નું કહેવું છે કે તમામ લોકોની બહુમતી સાથે આ માગ કરવામાં આવી છે. જો કે આગામી ૬ તારીખે સિદસર ખાતે આ અંગે મીટિંગ બોલાવવામાં આવી છે. આ મીટિંગ થાય ત્યાં સુધી અમે રાહ જોઈશું પરંતુ જો જેરામ પટેલ રાજીનામું નહિ આપે તો અમે આંદોલન ચાલુ રાખીશું.તેમને કહ્યું કે આ મીટિંગ સુધી અમે જેરામ પટેલના રાજીનામા અંગે કોઈ કાર્યકમ નહિ કરીએ પરંતુ સોશિયલ મીડિયા પર તેમના રાજીનામાં અંગે વિડિયો પોસ્ટ કરીશું, મીમ બનાવીશું. આ ઉપરાંત જયરામ પટેલ દ્વારા કરવામાં આવેલી જમીનની લેવડદેવડ કે અન્ય લેવડદેવડ વિશે પણ અમે આર ટી આઇ અંતર્ગત માંગ કરીશું.
યુવક મંડળના સભ્યો જણાવ્યું કે જો છ તારીખ બાદ પણ જેરામ પટેલ દ્વારા રાજીનામું આપવામાં આવશે નહિ તો તેઓ સૌરાષ્ટ્રના ૨૦ તાલુકામાં કાર્યક્રમ કરશે, જિલ્લા સ્તરે પણ કાર્યક્રમ કરશે.એટલું જ નહિ જરૂર પડી તો તેઓ ૧૧૦ લોકો મળી ઉપવાસ આંદોલન પણ કરશે.