ગોળીકાંડ પછી ફરી ખરાબ થઈ ગઈ ગોવિંદાની તબિયત. અચાનક ઘરે બેભાન થઈ ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. પતિની ચિંતા કરતા સુનિતા દોડી-દોડી મુંબઈ પરત આવી ગઈ. ગયા વર્ષે ગોવિંદાના પગમાં ગોળી વાગી હતી અને હવે અચાનક તેઓ બેભાન થઈ ગયા.ફેન્સમાં “હીરો નંબર વન” માટે ચિંતા ફેલાઈ ગઈ છે. બોલીવુડમાં એક પછી એક કલાકારોની તબિયત બગડી રહી છે – અને હવે નવું નામ ગોવિંદાનું ઉમેરાયું છે.
ધર્મેન્દ્ર અને પ્રેમ ચોપરા બાદ ગોવિંદા હોસ્પિટલમાં દાખલ થયા છે, જેને જાણીને સૌ ચોંકી ગયા છે.રિપોર્ટ્સ મુજબ, મંગળવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે ગોવિંદા અચાનક ઘરે બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તરત જ ડોક્ટરનો સંપર્ક કર્યો અને દવા આપ્યા બાદ થોડો સુધારો થયો. પરંતુ રાત્રે લગભગ 12:30 વાગ્યે ફરી અસ્વસ્થતા અનુભવતા તેમને રાત્રે 1:00 વાગ્યે મુંબઈના ક્રિટિક કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને ટૂંક સમયમાં તેમની તબિયત અંગેનો અપડેટ બહાર આવશે.ગોવિંદાની તબિયત અંગે ચિંતિત ફેન્સ સતત સોશિયલ મીડિયામાં અપડેટની રાહ જોઈ રહ્યા છે. જોકે તેમના મિત્ર અને કાનૂની સલાહકાર લલિત બિંદલે જણાવ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગોવિંદાની હાલત હવે સ્થિર છે.માહિતી મુજબ, જ્યારે ગોવિંદાની તબિયત ખરાબ થઈ ત્યારે તેમની પત્ની સુનિતા મુંબઈમાં નહોતી. પરંતુ પતિ બેભાન થયા હોવાની ખબર મળતાં જ તે તાત્કાલિક મુંબઈ પરત આવી ગઈ. રાત્રે 1:00 વાગ્યે તેમને એરપોર્ટ પર જોવામાં આવી હતી
.ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા પણ ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે તેમની લાયસન્સ ધરાવતી પિસ્તોલ સાફ કરતી વખતે અકસ્માતે ફાયર થઈ ગઈ હતી અને ગોળી તેમના ડાબા ઘૂંટણમાં વાગી હતી. ત્યારબાદ ઓપરેશન કરીને ગોળી કાઢવામાં આવી હતી.વિચારવા જેવી વાત એ છે કે 10 નવેમ્બરની રાત્રે જ ગોવિંદા ધર્મેન્દ્રને જોવા મુંબઈના બ્રિચ કેન્ડી હોસ્પિટલ ગયા હતા. ત્યાંથી તેમનો વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ ખૂબ ભાવુક લાગતા હતા. હવે ધર્મેન્દ્રની ખરાબ તબિયત વચ્ચે ગોવિંદાની હોસ્પિટલમાં દાખલ થવાની ખબર સાંભળીને ફેન્સ વધુ ચિંતિત બની ગયા છે અને સૌ તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.