લાંબા સમયથી ગોવિંદા વિશે ક્યારેક તેમનો ભાણેજ કૃષ્ણા તો ક્યારેક તેમની પત્ની સુનીતા મીડિયામાં કંઈ ને કંઈ કહી જ રહ્યા હતા. હવે આખરે ગોવિંદાની ધીરજનો ડેમ તૂટ્યો છે અને તેમણે પરિવારમાં ચાલી રહેલી આ બધી વાતો પર પ્રતિક્રિયા આપી છે. પરંતુ જે તેમની પ્રતિક્રિયા આવી છે તેના પરથી કહેવું પડશે કે ગોવિંદા ખૂબ જ ધીરજવાન માણસ છે. તેમના વિશે તેમના જ સગા લોકો આટલું બધું કહી રહ્યા છે, તેમ છતાં તેઓ મીડિયામાં જે જવાબ આપે છે તે ખૂબ જ સંતુલિત હોય છે. ગોવિંદાએ કહ્યું કે વારંવાર મારા જ લોકો પાસે મારી વિરુદ્ધ બોલાવવામાં આવી રહ્યું છે.
લાંબા સમય સુધી કૃષ્ણા જ્યારે એક શોમાં હતો ત્યારે રાઈટર્સ મારા માટે જોક્સ લખતા હતા અને તે જોક્સ કૃષ્ણા પાસે જ બોલાવતા હતા. મેં કૃષ્ણાને કહ્યું કે તારો મારી વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તું આ વાતને સમજ અને આ બધું ન કર. ઘણા સમય પછી કૃષ્ણાને આ વાત સમજાયી અને આખરે કહી શકાય કે કૃષ્ણાએ પણ આ બાબતે એક્શન લીધા. તેણે રાઈટર્સને સૂચના આપી કે મામાના નામના જોક્સ ન લખો. આજ કારણ છે કે કપિલ શર્માની આ સીઝનમાં કે બીજા શોમાં જ્યાં કૃષ્ણા છે ત્યાં હવે તે ગોવિંદાને લગતી મજાક નથી કરતો.
અહીં કૃષ્ણા તો શાંત થઈ ગયો પણ સુનીતાએ બોલવાનું શરૂ કરી દીધું. આ બાબતે પણ ગોવિંદાનું એ જ કહેવું છે કે તેમના પરિવારનો તેમની વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમના વિશે તેમના પરિવારના લોકો ઘણું વધારે બોલી રહ્યા છે. આ કારણે તેમને ગૂંગળામણ પણ થઈ રહી છે. ગોવિંદાએ મીડિયા દ્વારા પરિવારને પણ વિનંતી કરી છે કે એટલું બધું ન બોલો કે હું ગૂંગળાઈ જાઉં. ગોવિંદાએ એવું પણ કહ્યું કે તેમને પોતાને સમજાતું નથી કે તેમના પરિવારના સભ્યો અંદરોઅંદર ક્યારે એકબીજાથી નારાજ થઈ જાય છે અને ક્યારે પાછા એકબીજા સાથે ઠીક થઈ જાય છે. ગોવિંદાનો ઈશારો કૃષ્ણા અને સુનીતાની લડાઈ તરફ હતો જે કદાચ હવે પૂરી થઈ ગઈ છે.
ગોવિંદાએ એમ પણ કહ્યું કે તેમણે પોતાના બાળકોની ભલામણ ફિલ્મો માટે કોઈ પણ પ્રોડ્યુસર કે ડાયરેક્ટરને નથી કરી. તેમનું કહેવું છે કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર આગળ વધ્યા છે અને તેઓ પોતાની મર્યાદામાં રહીને જ પોતાનું કામ કરે છે. ગોવિંદાનો આ જવાબ ખૂબ જ વિનમ્ર અને સંયમિત આવ્યો છે. સોશિયલ મીડિયા પર હવે લોકો એવું જ કહી રહ્યા છે કે ગોવિંદાના પરિવારે પણ હવે શાંત થઈ જવું જોઈએ. આટલા વર્ષોની સખત મહેનત સાથે તેમણે આ કરિયર બનાવ્યું છે. “મેં મારી કારકિર્દી ખૂબ જ મુશ્કેલીથી બનાવી છે, તેને આ રીતે બગાડશો નહીં -“ગોવિંદા