ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિના દિવસે થયેલી હિંસા બાદ તંત્રએ કડક પગલા ભરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આજ રોજ તા. 9 ઓક્ટોબર ગુરૂવારે તોફાની તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અનેક દબાણો તોડી પાડવામાં આવ્યા.મળતી માહિતી મુજબ આ કાર્યવાહી નવરાત્રિના બીજા નોરતાની રાત્રે બહિયલ ગામમાં થયેલી હિંસાના પગલે કરવામાં આવી છે.
તે સમયે સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે જૂથોમાં તણાવ સર્જાયો હતો. ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાની ઘટના થઈ હતી અને ગુસ્સે ભરાયેલા ટોળાએ ચાર દુકાનોમાં આગ લગાવી દીધી હતી. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થિતિ કાબુમાં લીધી હતી અને બાદમાં આશરે 200થી વધુ તોફાની તત્ત્વો સામે ફરિયાદ નોંધાવી હતી.તંત્રની કાર્યવાહીઆ ઘટનાના અનુસંધાનમાં તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.
તા.6 ઓક્ટોબરે 51 દબાણ કરનારાઓને નોટિસ પાઠવી બે દિવસમાં જગ્યા ખાલી કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત તથા પોલીસની ટીમે ગુરૂવારે ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી.તંત્ર દ્વારા ખાસ કરીને હિંસામાં સંકળાયેલા તોફાની તત્ત્વોના દુકાનો અને ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે. જેના કારણે ગામમાં ચકચાર અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મહિલા સરપંચનું રાજીનામુંઆ દરમિયાન ગામની મહિલા સરપંચ અફસાનાબાનુ ચૌહાણે અગમ્ય કારણોસર વોટ્સએપ મારફતે તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું આપી દીધું છે. બુલડોઝર કાર્યવાહી દરમિયાન આપેલું આ રાજીનામું ચર્ચાનો વિષય બન્યું છે.પોલીસ બંદોબસ્ત વધારાયોગામમાં હાલ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત છે. સિનિયર પોલીસ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને CCTV ફૂટેજના આધારે વધુ તત્ત્વોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તમામ પગલા લેવામાં આવશે.