આ હોડી દુર્ગામ્માનું નિવાસસ્થાન છે. હોડીમાં જન્મેલી દુર્ગામ્મા હવે તેમનાં પતિ અને બે બાળકો સાથે એ જ હોડીમાં રહે છે. ફક્ત દુર્ગામ્મા જ નહીં. બીજા 10 પરિવારો દાયકાઓથી આ હોડીઓમાં રહે છે.આંધ્રપ્રદેશના પોલાવરમ જિલ્લાના ચિંતુરુમાં સબરી નદી પર લગભગ 50 લોકો હોડીઓ પર રહે છે. તેમણે હોડીઓ પર તાડપત્રી નાખીને તેને રસોડા અને બેડરૂમ બનાવ્યા છે
આ નદીના કિનારે વસેલું એક નાનકડું નગર છે. નગરનાં ઘરો પાણીમાં તરતાં દેખાય છે, પરંતુ આ ઘરોને કોઈ દીવાલ, દરવાજા કે ચોક્કસ સરનામું નથી; છતાં ત્યાં જીવન ધબકે છે.આ બધાં ઘર આંધ્રપ્રદેશના પોલાવરમ જિલ્લાના ચિંતૂરમાં સબરી નદીમાં તરતી હોડીઓમાં આવેલાં છે.
અહીં વસતા પરિવારો જન્મથી મૃત્યુ સુધીનું આખું જીવન હોડી પર જ વિતાવે છે.નદી, રેતીના ટેકરા, હોડીઓ અને કેટલાક એવા પરિવારો છે, જે આ સિવાય બીજું કશું જ જાણતા નથી. તેઓ દાયકાઓ પહેલાં આજીવિકાની શોધમાં નદીમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરીને ચિંતૂરમાં સબરી નદીના કિનારે પહોંચ્યા હતા.આ તે 11 માછીમાર પરિવારોની કથા છે, જેઓ આંધ્રપ્રદેશના મારેડુમિલી જંગલનો વિસ્તાર પાર કર્યા પછી ચિંતૂરમાં પુલ નીચે હોડીઓને જ ઘર બનાવીને રહે છે.
હોડીઓમાં રહેતા લોકોની સ્થિતિ જાણવા માટે બીબીસી ન્યૂઝની ટીમ ચિંતૂર પહોંચી હતી. સબરી નદી પરના પુલ પરથી જોયું તો રેતીના ટેકરા પાસે કેટલીક હોડીઓ જોવા મળી.સવારના પોણા છ વાગ્યા હતા અને કકડતી ઠંડી હતી. હોડીઓની વચ્ચેથી ધુમાડો ઉપર જઈ રહ્યો હતો. અમે હોડીઓ પાસે પહોંચ્યા ત્યારે એક હોડી પર બેઠેલો કૂકડો બાંગ પોકારી રહ્યો હતો અને લોકો ધીમે ધીમે જાગી રહ્યા હતા.
થોડીવારમાં માછીમારોએ જાગીને ચા બનાવવા માટે ચૂલા સળગાવ્યા. અમને ઠંડીથી થરથરતા જોઈને તેમણે પ્રેમથી પૂછ્યું, “તમે ચા પીશો?”અમે ‘હરમમથલ્લી’ નામની એક હાઉસબોટ પર પહોંચ્યા. તે બોટમાં સિમ્હાદ્રી અને વેંકટેશ્વર રાવ તેમનાં બે સંતાનો સાથે રહે છે. બાજુની અન્ય હોડીઓમાં પણ પરિવારો જાગીને પોતાની દિનચર્યા શરૂ કરી રહ્યા હતા.