આ કિસ્સો ઉત્તર પ્રદેશના બરેલીનો છે, જ્યાં આઠમા ધોરણમાં ભણતા એક બાળકની સમજદારીએ તેના માતા-પિતાને ડિજિટલ અરેસ્ટ અને લાખોની છેતરપિંડીથી બચાવી લીધા. 6 એપ્રિલના રોજ સંજય સક્સેના અને તેમની પત્નીને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો.
સામેવાળા વ્યક્તિએ પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો અને પોતાની ઓળખ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ના અધિકારી તરીકે આપી હતી.ઠગોએ દંપતીને ડરાવ્યું કે તેમનો નંબર આતંકવાદી ગતિવિધિઓ અને કરોડોના કૌભાંડમાં વપરાયો છે. તેમને વોરંટ બતાવી 10 કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા. આ દરમિયાન તેમને ખાવા-પીવાની કે ફોનથી દૂર જવાની મનાઈ હતી,
અને સૂતી વખતે પણ વીડિયો કોલ ચાલુ રાખવા દબાણ કરાયું હતું. ઠગોએ તેમની પાસે મિલકત અને બેંક ખાતાની વિગતો પણ માંગી હતી.આ બધું જોઈ દંપતીનો પુત્ર તન્મય સમજી ગયો કે આ સાયબર ફ્રોડ છે. તેણે માતા-પિતાને ચેતવ્યા, પણ ડરના કારણે તેઓ માનવા તૈયાર નહોતા. અંતે તન્મયે હિંમત કરી પિતાનો ફોન પરાણે એરપ્લેન મોડ પર મૂકી દીધો, જેથી ઠગો સાથેનો સંપર્ક તૂટી ગયો.
તન્મયે જણાવ્યું કે તેને શંકા ત્યારે ગઈ જ્યારે તેણે વીડિયો કોલમાં જોયું કે પોલીસકર્મી તરીકે ઓળખ આપનાર વ્યક્તિની લાંબી દાઢી હતી. તેણે વિચાર્યું કે કોઈ પોલીસવાળો આવી દાઢી ન રાખે.આ રીતે બાળકની સતર્કતાથી પરિવારના પૈસા બચી ગયા. બાદમાં પરિવારે પ્રેમનેગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી માનુષ પારિકે બાળકની સૂઝબૂઝના વખાણ કર્યા અને લોકોને સલાહ આપી કે કોઈ પણ અધિકારી બનીને ડરાવે કે પૈસા માંગે, તો તરત જ કોલ કાપી નાખવો જોઈએ.