નડિયાદ મહાનગરપાલિકા બની ત્યાર બાદનું સૌથી પહેલુ મેગા ડિમોલિશન હાથ ધરાયું. જેમાં સરદાર સ્ટૅચ્યુ ખાતે આવેલી 48 દુકાનોને તોડવાની કામગીરી કરાઈ. 1978માં અહીં કાંસ પર બાંધકામ કરાયું હતું. સમગ્ર મામલો હાઇકોર્ટમાં ગયો હતો. જ્યાંથી દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને કૉર્પોરેશનને દુકાન તોડવાની પરવાનગી અપાઈ હતી. વૈકલ્પિક જગ્યા મળી છતાં વેપારીઓ કઈ બાબતે ફરિયાદ કરી રહ્યા છે?
નડિયાદ સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં સરદાર ભુવનની 48 દુકાનોનું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. હાઈકોર્ટના ચુકાદા બાદ કોર્પોરેશન અને પોલીસ કાફલાની હાજરીમાં આજે આ કામગીરી હાથ ધરારી હતી, ત્યારે વર્ષો જૂની દુકાનો તૂટતી જોતા વેપારીઓ ભાવુક થયા હતા.
જિલ્લાના મુખ્ય મથક નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજે તંત્રએ અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના હાર્દ સમાન અને પ્રાઈમ લોકેશન ગણાતા સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં આવેલી ‘સરદાર ભુવન’ની 48 જેટલી દુકાનોને આજે વહેલી સવારથી તોડી પાડવાનું મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર શહેરમાં ભારે ઉત્તેજના અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નડિયાદ સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં આવેલી સરદાર ભુવનમાં હાલ ડિમોલેશન હાથ ધરાયું છે. આ મેગા ડિમોલિશન માટે તંત્રએ ખાસ રણનીતિ બનાવી હતી. વહેલી સવારે 4 વાગ્યાથી જ અનેક જેસીબી મશીનો, હિટાચી, ક્રેન અને કોર્પોરેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે ત્રાટક્યો હતો. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વીજ કંપની દ્વારા તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો.