છોટા ઉદેપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારમાં વેગેનાર કારમાં અચાનક આગ લાગી હતી.આ ઘટનાને આંખે જોનાર વ્યક્તિએ યુવકને બચાવવાની કોશીશ કરી, પરંતુ ચાલક સ્ટેરિંગમાં ફસાઈ ગયો હોવાથી તેને બચાવી શક્યા નહીં. ત્યારબાદ જોતજોતામાં ગાડી અને યુવક બંને બળીને ભડથું થઈ ગયા હતા.
જિલ્લા પોલીસને જાણ કરતા પીઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મૂળ પાટણના રહેવાસી અને હાલ વડોદરા ખાતે રહેતા હિતેશ મહેશભાઈ પટેલ પોતાની CNG વેગેનાર કાર લઇને વડોદરાથી છોટા ઉદેપુર તરફ જઈ રહ્યાં હતા.
ત્યારે તેજગઢ રેલવે ફાટક નજીક ગાડી ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે ટકરાઇ હતી. ગાડી CNG હોવાથી ઝાડ સાથે ટકરાતાની સાથેજ આગ લાગી હતી અને ગાડીમાંથી બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. આમ, હિતેશ ગાડીમાં જ આગની લપેટમાં આવીને ભડથું થઈ ગયો હતો.