Cli

ભારતમાં સુખી જીવન જીવતાં એ લોકો જેમને દેશ છોડીને ઇઝરાયલ જવું છે!

Uncategorized

ઐઝવલમાં વસેલા લગભગ 400 બેને મનાશે સમુદાયના લોકો સારી જિંદગી જીવી રહ્યા છે, તેમ છતાં તેમને માટે ઇઝરાયલ જવું અતિશય અગત્યનું છેભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય મિઝોરમમાં રહેનાર બેને મનાશે સમુદાયના લોકો હવે કાયમ માટે ઇઝરાયલ જવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ પોતાને યહૂદી સમુદાયની ખોવાયેલી જનજાતિઓમાંથી એક જાતિના વંશજ માને છે.2025માં ઇઝરાયલની સરકારે એક યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ ભારતના બેને મનાશે સમુદાયના તમામ લોકો આવનારાં વર્ષોમાં ઇઝરાયલમાં સ્થળાંતર કરશે. કેટલાક લોકો પહેલાં પણ અહીંથી ગયા છે.હાલમાં, ભારતમાં તેમની સંખ્યા લગભગ 5800 છે.

ઇઝરાયલમાં તેમનું સ્થળાંતર ફેબ્રુઆરી, 2026માં સુધીમાં શરૂ થઈ શકે છે.આ સમુદાય મુખ્યત્વે મિઝોરમ અને તેના પાડોશી રાજ્ય મણિપુરમાં રહે છે.છેલ્લા બે દાયકામાં, આશરે 4000 બેને મનાશે ઇઝરાયલમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. આ સ્થળાંતર પ્રક્રિયા 2005માં શરૂ થઈ હતી જ્યારે એક મુખ્ય રબ્બી (યહૂદી ધર્મગુરુ)એ આ સમુદાયને યહૂદી ધર્મની ખોવાયેલા આદિજાતિ તરીકે માન્યતા આપી હતી.આ સંદર્ભમાં મિઝોરમમાં રહેતા બેને મનાશે સમુદાયના લગભગ છસો લોકોએ પણ ઇઝરાયલ જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.આ લોકો ઇઝરાયલ કેમ જવા માગે છે એ સમજવા માટે બીબીસીની ટીમે મિઝોરમની રાજધાની ઐઝવલના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી

બેને મનાશે સમુદાયના સભ્ય એવા 76 વર્ષીય મુસાઈ હનામટે મિઝોરમના ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને કુસ્તીબાજ છે. તેઓ મિઝોરમની રાજધાની ઐઝવલના સેન્ટ્રલ વિસ્તારમાં એક મોટા ઘરમાં રહે છે. તેમના ઘરની દીવાલો પર તેમના પરિવારના સાથેની તસવીરોથી શણગારેલી છે. અમારી મુલાકાત તેમની સાથે તેમના ઘરે જ થઈ.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “અમને મિઝોરમની યાદ આવશે. આ અમારી જન્મભૂમિ છે, પરંતુ આ અમારી આખરી મંઝિલ નથી. આથી જ અમને લાગે છે કે અમારે અહીંથી જવું પડશે.”મુસાઈ હનામટેનાં માતાપિતા લગભગ 20 વર્ષ પહેલાં ઇઝરાયલ ચાલ્યાં ગયાં હતાં. હવે તેમના પરિવારના બાકીના સભ્યો પણ ત્યાં જવા માગે છે.તેઓ કહે છે, “મારાં માતાપિતા ત્યાં મૃત્યુ પામ્યાં હતાં અને ત્યાં જ દફનાવાયાં છે. હું પણ ત્યાં જ મરવા માગું છું.”તેમનું કહેવું છે કે ઇઝરાયલ જવું એ તેમના માટે ફક્ત સારા આર્થિક ભવિષ્ય માટે નથી, પરંતુ આ નિર્ણય તેમની ધાર્મિક માન્યતાઓ અને ઓળખ પર આધારિત નિર્ણય છે. તેમના કહેવા પ્રમાણે સરકાર તેમને ઇઝરાયલમાં પેન્શન આપશે. વધુમાં, તેઓ ત્યાં પોતાનો વ્યવસાય પણ શરૂ કરવા માગે છે.

બેને મનાશે સમુદાય મિઝોરમના આદિવાસી સમુદાયનો એક ભાગ છે. આ સમુદાયના લોકો માને છે કે તેમના પૂર્વજોને આશરે 2700 વર્ષ પહેલાં પ્રાચીન ઇઝરાયલમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.તેઓ દાવો કરે છે કે દેશનિકાલ પછી તેમના પૂર્વજો પૂર્વ તરફ ગયા, ચીન થઈને ઉત્તરપૂર્વ ભારતમાં ગયા અને પહાડીઓમાં સ્થાયી થયા. તેમનો ઇતિહાસ મૌખિક પરંપરાઓ દ્વારા આગળ વધે છે. તેમનો કોઈ લેખિત ઇતિહાસ મળતો નથી.નિષ્ણાતોનું કહેવું છે કે લેખિત પુરાવાના અભાવે આ લોકોની મૂળ ઉત્પત્તિ વિશે નવા નવા દાવાઓને જન્મ આપ્યો છે. વિદ્વાનોનું કહેવું છે કે મિઝો અથવા ચિન-કુકી સમુદાયોને પ્રાચીન ઇઝરાયલ સાથે જોડતા કોઈ દસ્તાવેજી પુરાવા નથી.ઐઝવલની સરકારી ટી રોમાના કૉલેજના ઇતિહાસના પ્રોફેસર મલસાવમલિયામા બીબીસીને જણાવે છે કે, “અમારી પાસે કોઈ લેખિત પુરાવા નથી. આ મૌખિક ઇતિહાસ છે.

બેને મનાશેના દાવા કેટલાક રિવાજોમાં સમાનતા પર આધારિત છે, પરંતુ તેમના ઇઝરાયલી મૂળના કોઈ ઐતિહાસિક પુરાવા નથી.”મિઝોરમ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે પર્વતીય સમુદાયોમાં યહૂદી ધર્મ જેવા ઘણા રિવાજો જેમ કે પ્રાણીઓનું બલિદાન, ધાર્મિક ગીતો વ્યાપકપણે પ્રચલિત હતાં.બીજી તરફ, બેને મનાશે સમુદાય કહે છે કે મિઝો સમુદાયમાં સદીઓથી કેટલાક રિવાજો છે જે યહૂદી ધર્મ જેવા જ છે.જોકે, મિઝોરમમાં યહૂદી ધર્મનો ઔપચારિક સ્વીકાર ફક્ત 20મી સદીના અંતમાં જ જાણીતો છે. એ પણ મિશનરીઓ અને ધાર્મિક ઉપદેશકોના પ્રભાવને કારણે હતું. સિનેગોગ બનાવવામાં આવ્યા, હિબ્રૂ ભાષા શીખવામાં આવી, અને યહૂદી ધાર્મિક નિયમો અને પરંપરાઓનું પાલન થવા લાગ્યું.મિઝોરમના બેને મનાશે સમુદાયના સભ્ય જેરેમિયાહ આ પરિવર્તનને સ્વીકારે છે. તેઓ કહે છે, “અમે 1976માં યહૂદી ધર્મ વિશે શીખવાનું શરૂ કર્યું. 1995ની આસપાસ, અમે અમારા જીવનને યહૂદી ધોરણો અનુસાર સ્વીકારવાનું શરૂ કર્યું. પહેલા અમારી સુન્નત નહોતી થઈ, પરંતુ જ્યારે અમે યહૂદી કાયદા વિશે શીખ્યા, ત્યારે અમે સુન્નત કરી.”

ઐઝવલમાં રહેતા બેને મનાશે સમુદાયના આશરે 400 સભ્યો સુખી જીવન જીવે છે, છતાં ઇઝરાયલ જવાનું તેમના માટે ખૂબ મહત્ત્વ છે. તેઓ તેના માટે પોતાના ઘર, પોતાનો દેશ અને પોતાના પરિચિતો સાથેનું જીવન છોડવા તૈયાર છે.બીબીસી સાથે વાત કરતા, આ સમુદાયના ઘણા સભ્યોએ કહ્યું કે ઇઝરાયલ જવાનું અને યહૂદી ધર્મ પાળવાનું તેમના માટે ખાસ મહત્ત્વ છે.તેમનું ‘આલિયાહ’ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઇઝરાયલ યુદ્ધ, રાજકીય તણાવ અને સામાજિક વિભાજનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. આમ છતાં, સમુદાયના સભ્યો કહે છે કે તેમની ધાર્મિક શ્રદ્ધા અને યહૂદી ઓળખ સર્વોપરી છે.રૂથ કહે છે, “અમે ક્યારેય ક્યાંય મુસાફરી કરી નથી. અમે સિલચરથી આગળ પણ ગયાં નથી.” જોકે, મને ખબર નથી કે અમારું ભવિષ્ય શું છે. અમે ત્યાં એકલતા અનુભવી શકીએ છીએ, પરંતુ અમને આશા છે કે બીજાઓની મદદથી બધું સારું થઈ જશે.”યા-એલ કહે છે, “અમે શું છોડી રહ્યા છીએ? ત્યાં શું થશે? આ વિચાર મારા મનમાં ક્યારેય આવ્યો નહીં. મને ન તો દુઃખ થયું કે ન તો મને એવું લાગ્યું કે હું એકલી રહી જઈશ. ઘણાં વર્ષોથી અમે ત્યાં જવા માગીએ છીએ અને તેની તૈયારી કરી રહ્યાં છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *