આર્યન ખાનની પહેલી શ્રેણી “બેડ્સ ઓફ બોલિવૂડ” મોટી કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ભૂતપૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેએ શો અને તેના નિર્માતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે, જેણે અગાઉ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો,
હવે શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ, નેટફ્લિક્સ, ગૂગલ, મેટા, એક્સ કોર્પ, RPG લાઈફસ્ટાઈલ મીડિયા અને અન્યોને નોટિસ જારી કરી છે, જેમાં તેમને સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. કોર્ટે આગામી સુનાવણીની તારીખ 30 ઓક્ટોબર નક્કી કરી છે પરંતુ શ્રેણીના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો નથી.
ભૂતપૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેએ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે. આ અરજી કાયમી અને ફરજિયાત મનાઈ હુકમ, ઘોષણા અને નુકસાનની માંગ સાથે સંબંધિત છે. અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય પક્ષો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સમીર વાનખેડેનો આરોપ છે કે રેડ ચિલીઝ દ્વારા નિર્મિત અને નેટફ્લિક્સ પર પ્રસારિત વેબ સિરીઝ ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ ખોટી, દુર્ભાવનાપૂર્ણ અને માનહાનિકારક છે. આ શ્રેણી ડ્રગ વિરોધી એજન્સીઓની નકારાત્મક અને ભ્રામક છબી રજૂ કરે છે, જેનાથી કાયદાનો અમલ કરતી એજન્સીઓમાં લોકોનો વિશ્વાસ નબળો પડે છે.વાનખેડેએ કહ્યું હતું કે આ સીરિઝ જાણીજોઈને તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. ખાસ કરીને જ્યારે સમીર વાનખેડે વિ આર્યન ખાન કેસ હાલમાં માનનીય બોમ્બે હાઈકોર્ટ અને એનડીપીએસ સ્પેશિયલ કોર્ટ, મુંબઈ સમક્ષ પેન્ડિંગ છે.