અનુપમા દેશપાંડે, જેનું નામ બોલીવુડના લોકપ્રિય ગીત “હમકો આજકલ હૈ ઇંતઝાર” સાથે જોડાય છે, તેમની સફર ખુબ જ રસપ્રદ રહી છે. મૂળ કર્ણાટકના રહેવાસી અનુપમા દેશપાંડેને સંગીતનો શોખ બાળપણથી જ હતો.
તેમના પિતા પોતે ગાતા હોવાથી બાળપણમાં જ અનુપમા માટે સંગીતનું માહોલ ઘરમાં જ તૈયાર થઈ ગયું. પિતાજ જ તેમના પ્રથમ ગુરુ રહ્યા. દસ-અગિયાર વર્ષની વયથી જ તેમણે સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું અને પછી ધીમે ધીમે ઓર્કેસ્ટ્રામાં ગાવાની તક મળવા લાગી.ફિલ્મી જગતમાં તેમનું પ્રારંભિક કાર્ય કોયરસ સિંગર તરીકે હતું. ત્યારબાદ તેઓ ડબિંગ સિંગર બન્યા.
ડબિંગ એટલે કે મોટા ગાયક-ગાયિકા જેવા કે લતા મંગેશકર કે આશા ભોસલે ગીત ગાય તે પહેલાં, મ્યુઝિક ડિરેક્ટર માટે એક નમૂના રૂપે ગીત રેકોર્ડ કરાવવું. અનુપમાએ અનેક ગીતોમાં આવી રીતે ડબિંગ કર્યું. પરંતુ કિસ્મતનો ખેલ એવો રહ્યો કે ફિલ્મ સોની મહીવાલનું તેમણે ડબિંગ કરેલું ગીત જ ફાઇનલ થયું અને એ ગીત માટે તેમને સીધું ફિલ્મફેર એવોર્ડ મળ્યો.
આ રીતે ધીમે ધીમે તેમનું નામ સંગીત જગતમાં થતું ગયું. જોકે એ સમય લતા અને આશા જેવી દિગ્ગજોનો હતો, તેથી નવી ગાયિકા માટે તક ઓછી મળતી હતી. ઘણા ગીતોમાં અનુપમાને ફક્ત આલાપ ગવડાવવામાં આવ્યા. યશ ચોપરાની ફિલ્મ ચાંદનીમાં પણ તેમનાં આલાપ સામેલ થયા હતા. શ્રીદેવીને તેમનું ગાયેલું એક ડબિંગ ગીત એટલું ગમ્યું કે તેમણે આગ્રહ કર્યો કે એ જ ગીત ફાઇનલ રહે.
અનુપમા દેશપાંડે માટે ખરેખર સુવર્ણ અવસર ત્યારે આવ્યો જ્યારે 1990માં માધુરી દીક્ષિત પર ફિલ્માયેલું ગીત “હમકો આજકલ હૈ ઇંતઝાર” રિલીઝ થયું. આ ગીતે તેમને લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચાડ્યા. સરોજ ખાનને આ ગીતની કોરિયોગ્રાફી માટે એવોર્ડ મળ્યો અને માધુરીના કારકિર્દીનું પણ આ ગીત એક ખાસ ઓળખ બની ગયું.
અનુપમા પોતે કહે છે કે તેઓ દરેક ગીત એમ ગાતા કે જાણે આ જ તેમનું ફાઇનલ ગીત હોય, અને એ જ કારણે આ ગીત લોકોને હૃદયસ્પર્શી લાગ્યું.આજે પણ આ ગીત સાંભળીએ ત્યારે માધુરીની છબી આંખો સામે આવી જાય છે, પરંતુ તેની પાછળનો અવાજ અનુપમા દેશપાંડેનો હતો, જેઓએ પોતાના સંઘર્ષ અને મહેનતથી કોયરસ સિંગરથી લઈને સુપરહિટ પ્લેબેક ગાયિકા સુધીનો સફર પુરો કર્યો.