ઓડિશાના એક નાનકડા ગામમાં બનેલી આ ઘટના આજે પણ સમાજમાં જીવંત રહેલી જાતિ આધારિત માન્યતાઓ પર ગંભીર સવાલ ઉભો કરે છે.ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં આવેલા નૌગાંવ ગામની 21 વર્ષની શર્મિષ્ઠા સેઠી દલિત સમુદાયથી આવે છે.
તે ગામના આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર કમ રસોઈયા તરીકે નિમાઈ છે. પરંતુ તેની નિમણૂક પછી ગામના કેટલાક ઉચ્ચ જાતિના લોકો પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કરી દીધું. કારણ માત્ર એટલું કે ભોજન શર્મિષ્ઠાના હાથનું બનાવેલું છે. ગામમાં એવી અંધશ્રદ્ધા ફેલાઈ કે દલિત યુવતીના હાથનું બનાવેલું ભોજન ખાવાથી દેવતાઓનો પ્રકોપ થશે.
સરકારી નોંધ મુજબ આ કેન્દ્રમાં 42 બાળકો નોંધાયેલા છે. તેમાંમાંથી 20 બાળકો 3 થી 6 વર્ષની ઉંમરના છે અને 22 બાળકોને ઘરે રેશન આપવામાં આવે છે. પરંતુ છેલ્લા ચાર મહિનાથી માત્ર બે બાળકો જ કેન્દ્રમાં આવી રહ્યા હતા અને તે બંને દલિત સમુદાયના હતા.શર્મિષ્ઠા દરરોજ સવારે સાત વાગ્યે પોતાની બસ્તીમાંથી સાયકલ ચલાવી કેન્દ્ર પહોંચે છે. સફાઈ કરે છે, બાળકો માટે ચટાઈ બિછાવે છે અને રાહ જુએ છે.
પરંતુ બાળકો આવતા નહોતા.આ મુદ્દો દેશની સંસદ સુધી પહોંચ્યો. 12 ફેબ્રુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે 21મી સદીમાં પણ આવી જાતિ આધારિત માન્યતાઓ બાળકોના શિક્ષણ અને પોષણના અધિકારને સીધો અસર કરે છે.શર્મિષ્ઠા સેઠી માત્ર 12 પાસ નથી, પરંતુ બીએ સુધી અભ્યાસ કર્યો છે અને અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશનમાં ડિપ્લોમા પણ કરી રહી છે. તે શિક્ષિકા બનવા માંગે છે. પરિવારને આર્થિક સહાય મળે તે માટે તેણે 5000 રૂપિયાની નોકરી સ્વીકારી.કેન્દ્રપાડાના સબ કલેક્ટર અરુણ કુમાર નાયક મુજબ 14 ફેબ્રુઆરીએ ગામમાં બેઠક યોજાઈ. લોકોને સમજાવવામાં આવ્યા.
સામાજિક એકતા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકો યોજાયા. અધિકારીઓએ પણ શર્મિષ્ઠાના હાથનું બનાવેલું ભોજન જાહેરમાં સ્વીકાર્યું. ચેતવણી આપવામાં આવી કે જો ભેદભાવ ચાલુ રહેશે તો કાનૂની કાર્યવાહી થશે.હાલ ગામવાસીઓ બાળકોને ફરી આંગણવાડીમાં મોકલવા તૈયાર થયા છે અને 16 ફેબ્રુઆરીથી વર્ગો ફરી શરૂ થવાના છે.આ ઘટના માત્ર એક ગામની નથી. દેશના અનેક ભાગોમાં હજુ પણ જાતિ આધારિત પૂર્વાગ્રહો જોવા મળે છે. કાયદા અને નિયમો અમલમાં આવી શકે, પરંતુ સમાજની માનસિકતા બદલવી વધુ જરૂરી છે.આશા છે કે આગામી વખત નૌગાંવમાંથી સમાચાર આવે ત્યારે શર્મિષ્ઠા શિક્ષિકા બની હોવાની ખુશખબર મળે.