અમદાવાદ: સુપ્રીમ કોર્ટના આદેશથી AMCએ થલતેજની સ્નેહાંજલિ સોસાયટીના 25 બંગલાઓ તોડી પાડ્યા છે, ત્યારે આ સોસાયટીમાં રહેતા લોકો હાલ રસ્તા પર આવ્યા છે, તંત્રની આ કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળે ભાવુક દ્રર્શ્યો સર્જાયા હતા
અમદાવાદ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થલતેજની સ્નેહાંજલિ સોસાયટીમાં તંત્ર દ્વારા આજે 25 આલિશાન બંગલાઓ તોડી પાડવામાં આવતા છેલ્લા 40 વર્ષથી આ સોસાયટીમાં આલિશાન બંગલામાં રહેતા લોકો રસ્તા પર રઝડતા જોવા મળી રહ્યા છે. જે ઘરના ખૂણેખૂણે યાદો કંડારેલી હતી, જ્યાં સંતાનો મોટા થયા અને જ્યાં બુઢાપાનો સહારો શોધ્યો હતો, એ જ ઘર આજે કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના આદેશ સામે કાયદો તો જીતી ગયો, પણ માનવતા અને મધ્યમ વર્ગના સપનાઓ હારી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો હતો. બાદમાં આ મામલો સુપ્રિમ કોર્ટે પહોંચતા કોર્ટે આલિશાન બંગલાઓને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. જેને અનુસરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આજે આ બંગલા તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરતા સોસાયટીમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
આજે 23 ડિસેમ્બરને બુધવારે AMCના વિવિધ અધિકારીઓની ટીમો બુલ્ડોઝર અને જરૂરી સામાન સાથે સ્નેહાંજલિ સોસાયટીમાં સ્થિત આ બંગલાને તોડવા કાર્યવાહી કરવા પહોંચ્યા હતા, ત્યારે સોસાયટીના રહીશોનો આક્રોશ અને આંસુ રોકાતા નહોતા. રહીશોનો એક જ સવાલ હતો “જો આ મકાનો ગેરકાયદેસર હતા, તો સરકારે અમને પ્રોપર્ટી કાર્ડ કેમ આપ્યા? વર્ષો સુધી વેરો કેમ વસૂલ્યો? આજે જ્યારે બિલ્ડરની ભૂલ સામે આવી, ત્યારે અમને કેમ સજા આપવામાં આવી રહી છે?”
અમેરિકાથી દોડી આવેલા ઉર્વશીબેન: આ સોસાયટીમાં મકાન ધરાવતા ઉર્વશીબેન પટેલની સ્થિતિ અત્યંત દયનીય છે. તેઓ રડતા રડતા જણાવે છે કે, “હું છેક અમેરિકાથી 16 તારીખે અહીં આવી છું. ત્રણ લાખ રૂપિયા ખર્ચીને તાત્કાલિક ફ્લાઈટ પકડી કે મારું ઘર બચાવી શકું. પણ આજે હું રસ્તા પર આવી ગઈ છું. મારા કપડાના પોટલા લઈને હું ક્યાં જાઉં? મારું અહીં કોઈ નથી. બિલ્ડર પાસે કરોડો રૂપિયા છે એટલે એ છૂટી ગયો અને અમે લૂંટાઈ ગયા. અમને મ્યુનિસિપાલિટીના ફ્લેટ નથી જોઈતા, અમને અમારું ઘર જોઈએ છે.”